૨૦ રૂપિયાની લાંચના કેસમાં ૨૮ વર્ષ લડ્યા, નિર્દોષ સાબિત થયા એના બીજા દિવસે મૃત્યુ

08 February, 2026 02:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બીજા દિવસે સાંજે તેઓ કામથી ઘરે પહોંચ્યા ત્યારે અચાનક જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું

પોલીસ-કૉન્સ્ટેબલ

અમદાવાદમાં ૨૦ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા એક પોલીસ-કૉન્સ્ટેબલને પોતાને નિર્દોષ સાબિત કરવામાં ૨૮ વર્ષ લાગ્યાં હતાં. કરુણાંતિકા એ હતી કે આખરે જ્યારે તેને ન્યાય મળ્યો અને તે નિર્દોષ જાહેર થયો એના બીજા જ દિવસે તેનું મૃત્યુ થઈ ગયું. વાત એમ છે કે ૧૯૯૭માં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ એક જાળ બિછાવેલી એમાં એક પોલીસ-કૉન્સ્ટેબલે ૨૦ રૂપિયાની લાંચ લીધી હોવાનો કેસ નોંધાયો હતો. ACBની તપાસ પછી ૪ વર્ષ બાદ જિલ્લા કોર્ટમાં કાનૂની પ્રક્રિયા દરમ્યાન કૉન્સ્ટેબલને ગુનેગાર ગણીને ૭ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કૉન્સ્ટેબલે જિલ્લા કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી. જોકે અહીં કાનૂની લડાઈ ખૂબ જ લાંબી ચાલી. તે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે બાવીસ વર્ષ હાઈ કોર્ટમાં લડ્યા પછી આખરે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ACB પાસે આરોપીનો ગુનો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી એટલે આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. મૂળ ઘટનાનાં ૨૮ વર્ષ પછી કૉન્સ્ટેબલ લાંચના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો એ વાતથી ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો. તેણે વકીલને કહ્યું હતું, ‘આખરે મારા જીવન પર લાગેલું કલંક મટી ગયું. હવે ભગવાન લઈ લે તોય મને કોઈ વાંધો નથી.’ બીજા દિવસે સાંજે તેઓ કામથી ઘરે પહોંચ્યા ત્યારે અચાનક જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

offbeat news ahmedabad gujarat news Gujarat Crime gujarat