આકાશવાણીના ટ્વિટર હેન્ડલ પરથી બજેટ પર થઈ એવી ટિપ્પણી કે લોકોને લાગ્યો 440 વૉલ્ટનો ઝટકો

02 February, 2023 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીબીસીએ લોકોને પૂછ્યું હતું કે તેઓ બજેટને 10માંથી કેટલા માર્કસ આપશે. લોકોએ કમેન્ટ્સમાં રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું

ફાઇલ તસવીર

બુધવાર, 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24 માટેના બજેટ (Union Budget)ની જાહેરાત થઈ ત્યારથી તેના પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.સોશિયલ મીડિયા (Social Media) પર પૉલ્સ પર લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે તેમને મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ કેવું લાગ્યું.બીબીસીએ ટ્વિટર પર આ પ્રશ્નો પૂછીને વપરાશકર્તાઓ પાસેથી પ્રતિક્રિયા પણ માગી હતી. ઘણા લોકોએ પોતાની વાત ટ્વિટર મારફતે મૂકી.

કેટલાકે કહ્યું કે તેમને બજેટ સારું લાગ્યું છે તો કેટલાકે તેને બકવાસ ગણાવ્યું હતું. આ બધા ટ્વીટ્સ વચ્ચે એક ટ્વિટ એવું હતું જેણે સૌનું ધ્યાન ખેચ્યું હતું. `આકાશવાણી`, હા એ જ ઑલ ઈન્ડિયા રેડિયો (All India Radio). તેમણે `આકાશવાણી ન્યૂઝ` નામના તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 2023-24ના બજેટમાં ઝીરો નંબર આપ્યો હતો.

વાસ્તવમાં બીબીસીએ લોકોને પૂછ્યું હતું કે તેઓ બજેટને 10માંથી કેટલા માર્કસ આપશે. લોકોએ કમેન્ટ્સમાં રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું. આ જ ક્રમમાં ઑલ ઈન્ડિયા રેડિયો તરફથી એક ટિપ્પણી કરવામાં આવી, જેમાં બજેટને ઈંડું એટલે કે `0` આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, બીજી કોમેન્ટમાં ઑલ ઈન્ડિયા રેડિયોએ બજેટને પણ `ચૂંટણીલક્ષી` ગણાવ્યું હતું.

ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે ઑલ ઈન્ડિયા રેડિયો એ પ્રસાર ભારતીની જૂની શાખા છે જે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરે છે. સ્વાભાવિક છે કે, સરકારના જ એક વિભાગમાંથી જ જ્યારે તેના બજેટ સામે નકારાત્મક ટિપ્પણી આવી, ત્યારે લોકોએ તેની ખૂબ મજા લીધી. જોકે, બંને ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં મામલો હાથમાંથી નીકળી ગયો હતો. લોકોએ બંને કોમેન્ટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. તેથી ઘણા જોક્સ બન્યા અને મીમ્સ પણ શૅર કરવામાં આવ્યા.

હવે આ ગડબડ પર લોકોની પ્રતિક્રિયાઓ વાયરલ થઈ રહી છે. એક યુઝરે તેની તસવીર સાથે અભિનેતા કાદર ખાનનો એક ડાયલોગ શેર કર્યો અને ટ્વીટ કર્યું, "તૂ મેરી તરફ હૈ યા ઉસકી તરફ?"

આ પણ વાંચો: ફોટો ક્લિક કર્યો એટલે જિરાફને આવ્યો ગુસ્સો

આ ટ્વીટની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, પરંતુ આ ભૂલ કેવી રીતે થઈ તે જાણી શકાયું નથી. એવું લાગે છે કે ઑલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતાં કોઈ વ્યક્તિએ વિભાગના ટ્વિટર હેન્ડલ પર ભૂલથી ટિપ્પણી કરી હશે.

offbeat news twitter viral videos union budget