20 February, 2026 04:54 PM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
ઍમૅઝૉનની ડિલિવરી-વૅન લઈને GPSના ભરોસે જતો ડ્રાઇવર સમુદ્રમાં જઈને પટકાયો
ઇંગ્લૅન્ડના એસેક્સમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો એક છબરડો સામે આવ્યો છે. ઍમૅઝૉન ડિલિવરી વૅનનો ડ્રાઇવર GPSના સહારે ડિલિવરી કરવા નીકળ્યો હતો ત્યારે GPS તેને ઐતિહાસિક બ્રૂમવે સુધી લઈ ગઈ હતી. અહીં કોઈ સામાન્ય રસ્તો નથી. ભરતીના સમયે આ જગ્યા પાણીમાં ડૂબી જાય છે. ડ્રાઇવર GPSના સહારે આ રસ્તા પર પહોંચી ગયો હતો. તેને ખબર નહોતી કે આ રસ્તો સમુદ્રની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. તે હજી તો જઈ રહ્યો હતો ત્યાં જ ભરતી આવતાં રોડ પાણીમાં ડૂબી ગયો. વૅન કીચડ અને સમુદ્રના પાણીમાં ફસાઈ ગઈ. ડ્રાઇવરે તરત જ ઇમર્જન્સી કૉલ કરતાં કોસ્ટગાર્ડ મદદ માટે આવી પહોંચ્યા. ડ્રાઇવરે સ્માર્ટનેસ વાપરીને વૅન પાણીમાં પૂરી ડૂબે એ પહેલાં જ એમાંથી જુગાડ કરીને નીકળી ગયો હતો. કોસ્ટગાર્ડે આવીને તેને કિનારે પહોંચાડ્યો હતો. બીજી તરફ પાણી ઓસર્યા પછી એક પિકઅપ દ્વારા ડિલિવરી વૅનને બહાર ખેંચવામાં આવી હતી.