લો બોલો, ચોરી કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

04 May, 2026 11:47 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

લાઇબ્રેરીઓ દુર્લભ પુસ્તકોની બરાબર કાળજી નથી રાખતી એવું માનતા હોવાથી તેઓ આ પુસ્તકોને બચાવવાનું કામ કરી રહ્યા છે.

આ ભાઈએ ચોરી કરી છે, પરંતુ પુસ્તકોની. ૧૯૭૦થી ૧૯૯૦ના બે દાયકા દરમ્યાન તેમણે અમેરિકાની ૨૬૮ લાઇબ્રેરીઓને નિશાન બનાવી હતી

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ એક એવો વિક્રમી ખિતાબ છે જે મેળવવા માટે લોકો જાતજાતનાં સ્ટન્ટ, કરતબો અને પ્રયાસો કરે છે. જોકે એક ભાઈનું નામ આ વિક્રમમાં ચોરી કરવા માટે નોંધાયેલું છે. હા, સૌથી વધુ ચોરી કરવાનો ખિતાબ આ ભાઈએ હાંસલ કર્યો છે. સાંભળવામાં અજીબ લાગતો આ કેસ ચોંકાવનારો પણ છે. અમેરિકાના સ્ટીફન બ્લમબર્ગ નામના ભાઈએ ચોરીને પ્રોફેશનલ કામ ગણાવીને એ માટે બાકાયદા વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ રેકૉર્ડ કોઈ બહાદુરીના કામ બદલ નહીં પરંતુ પોલીસના નાકે દમ લાવી દેવા માટે અને સૌથી વધુ વાર ચોરીની ખતરનાક ઘટનાને અંજામ આપવા માટે છે. આ ભાઈએ ચોરી કરી છે, પરંતુ પુસ્તકોની. ૧૯૭૦થી ૧૯૯૦ના બે દાયકા દરમ્યાન તેમણે અમેરિકાની ૨૬૮ લાઇબ્રેરીઓને નિશાન બનાવી હતી. આ દરમ્યાન તેમણે ૨૩,૬૦૦ રૅર ગણાય એવાં પુસ્તકો ચોરી લીધાં છે. આ ચોરી કરેલા માલનું એટલે કે પુસ્તકોનું કુલ વજન કરીએ તો લગભગ ૧૯ ટન જેટલું થાય. સ્ટીફન બ્લમબર્ગે એટલીબધી બુક્સ ચોરી છે કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ એને વિક્રમ તરીકે માન્યતા આપી છે. નવાઈની વાત એ છે કે તેમની ચોરીઓના આખા ખેલ વિશે લાઇબ્રેરીઓને અંદાજ પણ નહોતો આવ્યો. છેક ૧૯૯૧માં સ્ટીફનને માત્ર ચોરીની સંપત્તિ પોતાની પાસે રાખવાના મામલે દોષી ગણવામાં આવ્યા હતા. એ પછી તેમણે પુસ્તકો ચોરવાનું બંધ કરી દીધું. સ્ટીફન જ્યારે આ કામ કરતા હતા ત્યારે તેમને લાગતું હતું કે તેઓ એક મિશન પર નીકળ્યા છે અને આ મિશન પૂરું નહીં થાય તો બહુ નુકસાન થશે. લાઇબ્રેરીઓ દુર્લભ પુસ્તકોની બરાબર કાળજી નથી રાખતી એવું માનતા હોવાથી તેઓ આ પુસ્તકોને બચાવવાનું કામ કરી રહ્યા છે.

ચોરી કરવા માટે તેઓ પહેલાં એમ જ લાઇબ્રેરીમાં જતા, એનો આખો નકશો સમજતા, મોંઘાં અને દુર્લભ પુસ્તકો કયાં છે એની ઓળખ કરતા. તેઓ નકલી અથવા તો કોઈકનું ચોરેલું લાઇબ્રેરી કાર્ડ વાપરીને રાતના સમયે લાઇબ્રેરીમાં ઘૂસતા અને પુસ્તકો ઉઠાવીને ગાયબ થઈ જતા.

offbeat news international news world news guinness book of world records united states of america