08 January, 2026 12:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટેડી બેઅર
અમેરિકાના વર્જિનિયામાં નૉર્ફોક ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગયા અઠવાડિયે એક રોચક ઘટના ઘટી હતી. ઍરપોર્ટ પરથી એક નધણિયાતું ટેડી બેઅર મળી આવ્યું હતું. આ કારણે ઍરપોર્ટના સ્ટાફે એને એના માલિક એટલે કે બાળક સુધી પહોંચાડવા માટે ઑનલાઇન ઝુંબેશ શરૂ કરી હતી. એ ટેડી જે પણ બાળકનું હશે તેના માટે ખૂબ લાડકું હશે એટલે ટેડીનું બાળક સાથે ફરી મિલન કરાવવું જરૂરી છે એવા વિચાર સાથે ઍરપોર્ટ-ઑથોરિટીએ ૩૧ ડિસેમ્બરે ટેડીનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને ક્યુટ ટેડી સાથે કૅપ્શન લખી હતી : શું તમે મારા માલિકને શોધવામાં મદદ કરી શકો છો? હું ઍરપોર્ટના લૉસ ઍન્ડ ફાઉન્ડ કાઉન્ટર પાસે છું. આ પોસ્ટે તરત લોકોનું ધ્યાન ખેંચ્યું અને લોકોએ ઍરપોર્ટ-ઑથોરિટીનાં વખાણ પણ કર્યાં. જોતજોતામાં ૨૦૦૦થી વધુ લોકોએ આ પોસ્ટ શૅર પણ કરી દીધી. જોકે ટેડીનો સાચો માલિક મળ્યો કે નહીં એ વિશે હજી જાણકારી નથી મળી.