28 February, 2026 12:06 PM IST | Malta | Gujarati Mid-day Correspondent
માલ્ટામાં બની પંચાવન મીટર લાંબી ચૉકલેટની ટ્રેન
યુરોપિયન દેશ માલ્ટામાં એક આર્ટિસ્ટે તાજેતરમાં ખાઈ શકાય એવી ચૉકલેટની ટ્રેન બનાવી છે અને એ પણ સૌથી લાંબી. આ કલાકારનું નામ છે ઍન્ડ્ર્યુ ફારુગિયા. આ ભાઈએ ચૉકલેટનાં શિલ્પોનો ત્રીજી વાર વિશ્વવિક્રમ બનાવ્યો છે. આ ટ્રેન ૫૫.૨૭ મીટર લાંબી છે જે ઑલિમ્પિકના સ્વિમિંગ-પૂલથી પણ લાંબી છે. એમાં એક સ્ટીમ-એન્જિન અને બાવીસ ડબ્બા લાગેલાં છે. એનું કુલ વજન ૧૬૦ કિલો છે. ઍન્ડ્ર્યુએ આ માટે બેલ્જિયમ ચૉકલેટનો ઉપયોગ કર્યો છે. આ ચૉકલેટ ટ્રેન બનાવવા માટે ઍન્ડ્ર્યુએ એક વર્ષથી પ્લાનિંગ શરૂ કરેલું અને પ્રૅક્ટિકલી એને બનાવવાની શરૂઆત કરી ત્યારથી ૪ મહિનાની મહેનતે એ બનીને તૈયાર થઈ. પહેલાં આ ટ્રેનનું માટીનું મૉડલ તૈયાર કરવામાં આવ્યું અને પછી એ મુજબ ડબ્બાના અલગ-અલગ ટુકડાઓના મોલ્ડ વાપરીને ચૉકલેટના ટુકડાઓ તૈયાર કરવામાં આવ્યા. એ પછી દરેક ટુકડાને જોડીને એમાંથી એક આખી ટ્રેન તૈયાર કરવામાં આવી. આ ટ્રેનને સૌથી લાંબી ચૉકલેટ ટ્રેનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો હતો.