27 December, 2025 02:21 PM IST | Arkansas | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના અર્કન્સામાં એક પેટ્રોલ પમ્પ પરથી ખરીદેલી પાવરબૉલ લૉટરીની ટિકિટે એક માણસનું જીવન બદલી નાખ્યું. ક્રિસમસની પૂર્વસંધ્યાએ એક વ્યક્તિને અમેરિકાના ઇતિહાસની બીજા નંબરની સૌથી મોટી લૉટરીનો જૅકપૉટ લાગ્યો હતો. તેને ૧.૮૧૭ અબજ ડૉલર એટલે કે લગભગ ૧૫ લાખ કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો છે. જોકે હજી સુધી આ ઐતિહાસિક જીત મેળવનાર વ્યક્તિની ઓળખ સામે નથી આવતી. અર્કન્સા લૉટરીના પ્રવક્તાના કહેવા મુજબ છુટ્ટી ચાલી રહી હોવાથી અત્યારે ક્લેમ-સેન્ટર બંધ હોવાથી વિનર કોણ છે એની સોમવાર પછી જ ખબર પડશે. આ જૅકપૉટ સતત ૪૬ ડ્રૉમાં કોઈ વિજેતા ન મળતાં ઇનામની રકમ આટલી મોટી થઈ હતી. પાવરબૉલ લૉટરીમાં જીતવાની સંભાવના ૨૯ કરોડ લોકોમાંથી એકને હોય છે. જોકે એ જ સંભાવનાને કારણે ઇનામની રકમ બહુ મોટી થઈ જાય છે. પાવરબૉલની એક ટિકિટ માત્ર બે ડૉલરમાં મળે છે અને અમેરિકાનાં ૪૫ રાજ્યોમાં આ લૉટરી ચાલે છે. જૅકપૉટ જીતનાર વિનર જો ઇચ્છે તો ટૅક્સ કાપ્યા પછી પૂરા રૂપિયા એકસાથે લઈ શકે છે અથવા તો ઇન્સ્ટૉલમેન્ટમાં પણ લઈ શકે છે. અમેરિકામાં મોટા ભાગે લૉટરી-વિનર્સ ટૅક્સ કાપીને એકસાથે જ જીતની રકમ લેવાનું પસંદ કરતા હોય છે.