01 March, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ChatGPTમાં અપલોડ થયેલ ફોટો
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લોકો જાતજાતના સવાલો પૂછતા હોય છે. જોકે ગુડગાંવમાં એક ટેક્નૉલૉજીના પ્રોફેશનલ ભાઈએ પોતાની મમ્મીએ AIનો કયા કામ માટે ઉપયોગ કર્યો એનો અનુભવ શૅર કર્યો હતો. AI હવે કોડિંગનું કામ કરી લે છે અથવા તો ઇમોશનલ કાઉન્સેલિંગ કરીને ખોટી સલાહો આપે છે એવી ફરિયાદો શરૂ થઈ ગઈ છે ત્યારે અનેક લોકોને લાગી રહ્યું છે કે ગુડગાંવનાં બહેને જે કામ માટે AIનો ઉપયોગ કર્યો એ એકદમ સ્માર્ટ અને પર્ફેક્ટ છે. વાત એમ છે કે બહેને ઘરમાં બેસનના લાડુ બનાવ્યા હતા. લાડુ બનાવીને ત્રણ નાની-મોટી થાળીઓમાં મૂક્યા. તેણે બધાનો સાથે એક ફોટો પાડ્યો અને ChatGPTમાં અપલોડ કરીને પૂછ્યું કે શું આમાં કેટલા લાડુ છે એની ગણતરી કરી આપશે? ChatGPTએ પણ થોડો સમય લઈને એકદમ કહ્યાગરા જીનીની જેમ કાઉન્ટ કરીને આંકડો આપ્યો. માત્ર આંકડો આપ્યો એટલું જ નહીં, ત્રણ અલગ-અલગ સાઇઝનાં વાસણોનો હિસાબ આપ્યો. ત્રણેય વાસણોમાં મૂકેલા બેસનના લાડુની સંખ્યા અને ત્રણેયનો સરવાળો કરી આપ્યો. એટલું જ નહીં, પાછું પૂછ્યું કે શું હજીયે વધુ બારીક વિશ્લેષણ સાથે લાડુની સંખ્યા જોઈએ છે?