05 August, 2026 07:37 PM IST | Dispur | Gujarati Mid-day Correspondent
પૂરના સંકટ વચ્ચે પણ આસામની આ મહિલાએ રેસ્ક્યુ ટીમને જૂસ પીવડાવીને લોકોનાં દિલ જીત્યાં
મુસીબત ગમે એટલી મોટી હોય, જો માનવતા જીવંત હોય તો આશાનું એક નાનું કિરણ પણ અંધારું દૂર કરી દે છે. બસ, આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો આસામના શિવસાગર વિસ્તારમાંથી સામે આવ્યો છે જેણે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં છે. આસામમાં આવેલા ભયાનક પૂરને કારણે અનેક જિલ્લાઓનું જનજીવન સાવ ખોરવાઈ ગયું છે અને મૃત્યુનો આંકડો વધી રહ્યો છે ત્યારે આવા ભયાનક વાતાવરણ વચ્ચે પણ શિવસાગરની એક મહિલા પોતે મુસીબતમાં હોવા છતાં મોઢા પર મીઠું સ્મિત રાખીને રાહતકાર્ય કરી રહેલા જવાનો અને કાર્યકરોને જૂસ પિવડાવતી નજરે પડે છે.
પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલાં હોવા છતાં પૂરના રાહતકર્મીઓની આવી સેવા કરવાની તેની ભાવના જોઈને લોકો ગદ્ગદિત થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર શૅર થયેલા આ વિડિયોને અસંખ્ય લોકો જોઈ ચૂક્યા છે અને તેની ઉદારતાનાં વખાણ કરી રહ્યા છે.