27 August, 2026 04:14 PM IST | Dispur | Gujarati Mid-day Correspondent
દીકરાએ પોતાના જ ઘરમાંથી ચોર્યા ૫૦ લાખ રૂપિયા, પિતાએ દીકરાને પોલીસને હવાલે કર્યો
આસામના જોરહાટમાં રહેતા પચીસ વર્ષના યુવાને પોતાના જ ઘરમાં લૉકર તોડીને ૫૦ લાખ રૂપિયા ચોરી લીધા અને પછી ફરાર થઈ ગયો હતો. યશ ધનુકા અગ્રવાલ નામનો આ યુવાન ચોરી કરીને અમદાવાદ ભાગી ગયો હતો. ૧૧ ઑગસ્ટે લૉકરમાંથી રોકડા અને સોનાના દાગીનાની તેણે ચોરી કરી ત્યારે પરિવારનો કોઈ સભ્ય ઘરમાં નહોતો. પોલીસે તેના મોબાઇલને ટ્રૅક કરતાં તેનું છેલ્લું લોકેશન અમદાવાદનું મળ્યું હતું. અમદાવાદમાં તેને શોધીને જોરહાટ લાવ્યા લાવ્યા પછી પિતાએ ખુદ જ દીકરાને પોલીસના હવાલે કર્યો હતો. શંકા છે કે યશે ચોરેલા મોટા ભાગના રૂપિયા ઉડાડી માર્યા છે. યશે કહ્યું હતું કે ‘મેં જીતુ સોમાણી અને રોહિત પ્રસાદ નામના બે દોસ્તોના કહેવાથી આ યોજના બનાવી હતી. અમે એક ચાવી બનાવનારની મદદ લીધી હતી અને પછી પૈસા લઈને પાર્ટી કરી હતી. ત્યાં એક છોકરી પણ હતી. તેના પર મેં પાંચ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. જે કંઈ થયું એ માટે મને અફસોસ છે.’ પોલીસની તપાસમાં યશે કબૂલ્યું હતું કે પેલી છોકરી તેની ગર્લફ્રેન્ડ હતી. કેટલાય દિવસો સુધી તે આ છોકરી સાથે હોટેલો અને રિસૉર્ટ્સમાં રોકાયો હતો અને બેફામ પૈસા ઉડાડ્યા હતા. યશ પકડાઈ ગયો છે પરંતુ જીતુ સોમાણી અને રોહિત પ્રસાદ હજી ફરાર છે.