26 October, 2025 10:04 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
અંબર લ્યુકને હવે લોકો ઑસ્ટ્રેલિયાની મોસ્ટ ટૅટૂઝ ધરાવતી મહિલા પણ કહે છે
ઑસ્ટ્રેલિયાની જાણીતી મૉડલ અંબર લ્યુકને હવે લોકો ઑસ્ટ્રેલિયાની મોસ્ટ ટૅટૂઝ ધરાવતી મહિલા પણ કહે છે. જોકે હવે બહેન પોતાના કાળી શાહીવાળા ચહેરાથી કંટાળ્યા છે. ૧૧ વર્ષ પહેલાં તેને પોતાનો ચહેરો જરાય ગમતો નહોતો. તેણે ચહેરા વિશેના અસંતોષથી પ્રેરાઈને શરીર પર ઠેર-ઠેર ટૅટૂ છૂંદાવવાનું શરૂ કર્યું હતું. તેણે લગભગ ૧,૯૫,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ બે કરોડ રૂપિયા ટૅટૂ પાછળ ખર્ચી નાખ્યા હતા. જુવાનીના જોશમાં તેને કંઈ સમજાયું નહીં, પણ હવે ૩૦ વર્ષની ઉંમરે અંબરબહેનને લાગે છે કે પોતાનો ઓરિજિનલ ચહેરો જોયાને પણ હવે તો દસ વર્ષ થઈ ગયાં. હવે પોતાના ઓરિજિનલ ચહેરાને જોવા તલસી રહી છે. જોકે ટૅટૂ બનાવવાની પ્રક્રિયા જેટલી પીડાદાયક છે એટલી જ પીડાદાયક પ્રક્રિયા એનાથી છુટકારો પામવાની હોય છે. અંબરનું કહેવું છે આગામી બે વર્ષમાં તે ચહેરા પરથી ૩૬ ટૅટૂ રિમૂવ કરાવશે. ટૅટૂ છૂંદાવવાનું શરૂ કરેલું ત્યારે તે અંદરથી ખૂબ ખોવાઈ ગયેલી મહેસૂસ કરતી હતી. એ વખતે તેને પોતાના કુદરતી રૂપ પર વિશ્વાસ નહોતો. જોકે હવે આ બહેનનું કહેવું છે કે ‘છેલ્લા એક દાયકામાં જાતનો સ્વીકાર કરીને આત્મસન્માન શીખી છું. હવે હું જાતને સાચો પ્રેમ કરવા લાગી છું. ’
આ કામ સસ્તું પડે એ માટે બ્રિસ્બેનના એક ક્લિનિકની તે બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બની છે જે તેને ફ્રીમાં ટૅટૂ રિમૂવ કરાવી આપશે. લેઝરની ટૅટૂ રિમૂવલ પ્રોસેસ ખૂબ જ પીડાદાયક અને બળતરા કરનારી હોય છે, પરંતુ પોતાના મૂળ ચહેરાને પાછો મેળવવા માટે આ દરદ હસતા મોંએ સહેવા તે તૈયાર છે.