બેલ્જિયમમાં કારનો સેલ્સમૅન બન્યો રાજકુમાર, DNA મૅચ થતાં પ્રિન્સ લૉરેન્ટના શાહી પરિવાર તરીકે અપનાવ્યો

22 August, 2026 12:47 PM IST  |  Brussels | Gujarati Mid-day Correspondent

બેલ્જિયમના પ્રિન્સ લૉરેન્ટે ૯૯.૫ ટકા DNA મૅચ બાદ ૨૬ વર્ષના ક્લેમેન્ટ વૅન્ડેનકેર્કહોવને પોતાના દીકરા તરીકે સત્તાવાર સ્વીકાર્યો. હવે ક્લેમેન્ટને રાજકુમારનો દરજ્જો અને વારસામાં સમાન હક મળશે.

બેલ્જિયમનો કાર સેલ્સમૅન DNA મૅચથી બન્યો રાજકુમાર, શાહી પરિવારે સ્વીકાર્યો

બેલ્જિયમમાં કાર વેચતા એક સેલ્સમૅનની જિંદગી એક પૅટરનિટી ટેસ્ટથી ધરમૂળથી બદલાઈ ગઈ હતી. બેલ્જિયમના રાજા ફિલિપના ભત્રીજા પ્રિન્સ લૉરેન્ટે તાજેતરમાં ૨૬ વર્ષના ક્લેમેન્ટ વૅન્ડેનકેર્કહોવ નામના યુવાનનો દીકરા તરીકે સ્વીકાર્યો હતો. હવે ક્લેમેન્ટ પ્રિન્સ કહેવાશે અને સાવકાં ભાઈ-બહેનો સાથે તેને બરાબરનો વારસાહક મળશે. જોકે તેને શાહી ભથ્થાં, સત્તાવાર જવાબદારી કે સિંહાસનનો ઉત્તરાધિકાર નહીં મળે. 
ક્લેમેન્ટના જન્મની સચ્ચાઈ કેટલાંય વર્ષો સુધી એક રહસ્યની જેમ દબાયેલી રહી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક ડૉક્યુમેન્ટરીમાં બહાર આવ્યું હતું કે પ્રિન્સ લૉરેન્ટ એ ક્લેમેન્ટના બાયોલૉજિકલ ફાધર છે. ક્લેમેન્ટનો જન્મ ૨૦૦૦ની સાલમાં સિંગર અને સોશ્યલાઇટ વૅન્ડી વૅનના ઘરે થયો હતો. સિંગર વૅન્ડી અને લૉરેન્ટના સંબંધો ૧૯૯૦ના દાયકામાં બહુ ચર્ચામાં રહ્યા હતા. જોકે એ પછી પ્રિન્સ લૉરેન્ટે ૨૦૦૩માં પ્રિન્સેસ ક્લેયર સાથે લગ્ન કરી લીધાં હતાં. ક્લેમેન્ટ ૧૬ વર્ષનો થયો એ વખતે વૅન્ડીએ દીકરાને તેના પિતા કોણ છે એ કહ્યું હતું. એ પછી ૨૦ વર્ષની ઉંમરે તેણે પિતાને પહેલી વાર ફોન કર્યો હતો. એ પછી પ્રિન્સ લૉરેન્ટ અને ક્લેમેન્ટ વચ્ચે મુલાકાતો અને વાતચીત થતી હતી, પરંતુ તેને સત્તાવાર દીકરા તરીકે અપનાવ્યો નહોતો. થોડા સમય પહેલાં પ્રિન્સે ડીઑક્સિરિબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવી જેમાં ૯૯.૫ ટકા મૅચ થતાં પ્રિન્સે આ દીકરાનો સાર્વજનિક સ્વીકાર કર્યો હતો.

belgium world news international news offbeat news hatke news