18 June, 2025 11:11 AM IST | Addis Ababa | Gujarati Mid-day Correspondent
બોદી જાતિના લોકોમાં ફાંદને સુપરપાવર મનાય છે
યંગ છોકરીઓને આકર્ષી શકાય એ માટે સુપરહૉટ લુક્સ જોઈતો હોય, પરંતુ સિક્સ-પૅક્સ ઍબ્સ ન બની શકતા હોય તો બહુ ચિંતા ન કરો. મોટી ફાંદ સાથે જો તમે સૌથી સુંદર યુવતી જોઈતી હોય તો તમે દેશ બદલી નાખો. આફ્રિકા ખંડના ઇથિયોપિયા દેશમાં બોદી જાતિના લોકોમાં ફાંદને સુપરપાવર અથવા તો સુપરહૉટ માનવામાં આવે છે. અહીં તે જ પુરુષનું સન્માન થાય છે જેની ફાંદ વધેલી હોય. વધુ મોટી ફાંદ ધરાવતા પુરુષને સૌથી હૉટ માનવામાં આવે છે એટલું જ નહીં, તેમના કબીલામાં પણ તેને મોભાનું સ્થાન આપવામાં આવે છે. આપણે ત્યાં થોડીક પણ ફાંદ વધી જાય તો પુરુષો ચિંતામાં પડી જાય છે, પણ ઇથિયોપિયાની બોદી જાતિના લોકોમાં ફાંદ ન હોય તો પુરુષને કોઈ પૂછતું નથી. ઓમો ઘાટીમાં રહેતી બોદી જાતિના લોકોમાં વર્ષે એક વાર કાએલ નામનો તહેવાર ઊજવાય છે. આ તહેવારમાં પુરુષો વચ્ચે ફાંદની સ્પર્ધા થાય છે. જેની ફાંદ સૌથી મોટી હોય તેનું સન્માન કરવામાં આવે છે અને તેને કબીલાના મહત્ત્વના નિર્ણયો લેવાની ટીમમાં સ્થાન મળે છે. આ જનજાતિના લોકો સ્પર્ધાના છ મહિના પહેલાંથી જ ફાંદ વધારવામાં લાગી પડે છે. તેઓ માંસની સાથે પ્રાણીઓનું કાચું લોહી પીએ છે જેથી ફાંદ જલદી વધે. અને હા, સૌથી મોટી ફાંદ ધરાવનારા વ્યક્તિને કબીલાની સૌથી સુંદર યુવતી પસંદ કરે છે.