✕

ચાલુ ટ્રૅક્ટરનું એક પૈડું નીકળી ગયું છતાં ડ્રાઇવરે ૮ કિલોમીટર સુધી ત્રણ પૈડાં પર દોડાવ્યું વાહન

28 November, 2026 02:53 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

હેમ મહતોએ સફળતાપૂર્વક ૮ કિલોમીટરનું અંતર કાપીને ટ્રૅક્ટરને મીરગંજ પહોંચાડ્યું હતું. હેમ મહતોએ કહ્યું હતું કે આ કોઈ સ્ટન્ટ નહોતો, પરંતુ મુસીબતના સમયે મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો.

ત્રણ પૈડાં પર દોડાવ્યું વાહન

મુસીબત ક્યારેય કહીને આવતી નથી, પરંતુ કપરા સંજોગોમાં જ માણસની ધીરજ અને કુશળતાની સાચી કસોટી થતી હોય છે. બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નૅશનલ હાઇવે-૩૧ (NH-31) પર ચાલતા ટ્રૅક્ટરનું આગળનું એક પૈડું અચાનક તૂટીને અલગ થઈ ગયું હતું. જોકે ડ્રાઇવરે ગભરાવાને બદલે ગજબનું સંતુલન જાળવી રાખ્યું હતું અને ત્રણ પૈડાં પર જ આશરે ૮ કિલોમીટર સુધી ટ્રૅક્ટર ચલાવીને પોતાના મુકામ સુધી પહોંચાડ્યું હતું.

રસ્તા પર ત્રણ પૈડાં પર દોડતા આ ટ્રૅક્ટરનો વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો ડ્રાઇવરની આવડતની પ્રશંસા કરી રહ્યા છે. ચંપાવતીનો રહેવાસી અને છેલ્લાં ૧૦ વર્ષથી ડ્રાઇવિંગનું કામ કરતો હેમ મહતો કંપનીના કામ માટે મીરગંજથી ટ્રૅક્ટર અને ટ્રૉલી લઈને પૂર્ણિયાના ગુલાબબાગ આવ્યો હતો. કામ પૂરું કરીને હેમ મહતો મીરગંજ પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક ટ્રૅક્ટરના આગળના પૈડાની ધરી અને રિમ નીકળી ગયાં હતાં. ટ્રૅક્ટરનું સંતુલન બગડ્યું હોવા છતાં હેમ મહતોએ સૂઝબૂઝ વાપરીને વાહન પર કાબૂ મેળવી લીધો હતો, જેથી મોટો અકસ્માત ટળી ગયો હતો.

ડ્રાઇવર હેમ મહતોના જણાવ્યા મુજબ એ સમયે તેની પાસે રિપેરિંગ કરાવવા માટે પૂરતા પૈસા નહોતા. વાહનને રસ્તા પર છોડી શકાય એમ ન હોવાથી હેમ મહતોએ પોતાના ૧૦ વર્ષના અનુભવના આધારે ત્રણ પૈડાં પર જ ટ્રૅક્ટર આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. હેમ મહતોએ સફળતાપૂર્વક ૮ કિલોમીટરનું અંતર કાપીને ટ્રૅક્ટરને મીરગંજ પહોંચાડ્યું હતું. હેમ મહતોએ કહ્યું હતું કે આ કોઈ સ્ટન્ટ નહોતો, પરંતુ મુસીબતના સમયે મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો.

bihar accident road accident viral post social media viral videos offbeat news