29 July, 2026 06:12 PM IST | Patana | Gujarati Mid-day Correspondent
આને કહેવાય ઇમર્જન્સી જાન : દુલ્હાએ લગ્નમંડપમાં એન્ટ્રી મારી ઍમ્બ્યુલન્સમાં
સામાન્ય રીતે વરરાજા ઘોડા પર કે કારમાં સવાર થઈને મંડપ પર જાન લઈને પહોંચે છે, પણ હવે જમાનો પ્રૅન્કનો છે. કંઈક હટકે કહેવાય એવી એન્ટ્રી લેવા માટે બિહારમાં એક દુલ્હો લગ્નના મંડપમાં ઍમ્બ્યુલન્સ લઈને પહોંચ્યો હતો. આ જાનનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. કન્યાપક્ષ ઢોલ-નગારાં સાથે જાનના સ્વાગતની તૈયારીઓમાં લાગેલો હતો ત્યારે અચાનક એક ઍમ્બ્યુલન્સ સાઇરન વગાડતી ત્યાં ઘૂસી આવી હતી. એ જોઈને પહેલાં તો લોકોને લાગ્યું કે કોઈકની તબિયત ખરાબ થઈ હશે એટલે દરદી માટે ઍમ્બ્યુલન્સ બોલાવી હશે. જોકે જેવો ઍમ્બ્યુલન્સનો દરવાજો ખૂલ્યો તો ખબર પડી કે અહીં કોઈ દરદી નથી, મસ્ત સજીધજીને તૈયાર થયેલા લોકો હતા. ડ્રાઇવરની સીટથી લઈને પાછળની સીટોમાં બધા જાનૈયાઓ જ હતા. અને એમાં દુલ્હો પણ મોજૂદ હતો. ગાડીઓની કમી પડી કે પછી ટ્રાફિકથી બચવા માટે આવો જુગાડ કર્યો હતો એ ખબર નથી, પરંતુ ઍમ્બ્યુલન્સમાં એન્ટ્રી જોઈને કન્યા પક્ષમાં હસાહસ જરૂર થઈ ગઈ હતી. ઍમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી સર્વિસનો આવા કામ માટે ઉપયોગ કરવાની અસંવેદનશીલતા બાબતે દુલ્હાની ટીકા પણ થઈ રહી છે.