16 April, 2025 01:39 PM IST | Birmingham | Gujarati Mid-day Correspondent
બર્મિંગહૅમ
છેલ્લા એક મહિનાથી બર્મિંગહૅમમાં સફાઈ-કામદારો હડતાળ પર છે એને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. લોકો પોતાના ઘરનો કચરો ગલીઓની બહાર એક જગ્યાએ કાળી બૅગોમાં મૂકી જઈ રહ્યા છે એને કારણે ઉંદરડાઓનો ત્રાસ પણ વધ્યો છે. કચરા અને ગંદકીને કારણે ઉંદરો પણ હવે બિલાડી જેવા જાયન્ટ થઈ ગયા છે એવી ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે. ૧૧ માર્ચથી શરૂ થયેલો સફાઈ-કામદારોના પગારને લઈને ચાલતો વિવાદ હજી શમ્યો નથી અને જ્યાં સુધી કામદારોની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ પૂરી થાય એમ લાગતું નથી. એવામાં લોકો ઘરનો કચરો ચોરાહા પર છોડવા લાગ્યા હોવાથી ઠેર-ઠેર કચરાની કાળી બૅગોના ઉકરડા ઊભરાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં ૧૭,૦૦૦ ટન કચરો ફેલાઈ ચૂક્યો છે.