SBIએ લોન લેનારાના પ્રૉપર્ટી-પેપર ખોઈ નાખ્યા, કોર્ટે પ્રતિ દિન ૫૦૦૦ રૂપિયાના હિસાબે દંડ ફટકાર્યો

14 September, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોનની સંપૂર્ણ ચુકવણી બાદ પણ બે પ્રૉપર્ટીના મૂળ દસ્તાવેજો પરત ન આપતા બૉમ્બે હાઈ કોર્ટે SBIને પ્રતિ દિવસ ₹5,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે દસ્તાવેજ સાચવવા અને માલિકને પરત આપવા બૅન્કની જવાબદારી છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (સૌજન્ય - મિડ-ડે)

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ લોન લેનારી વ્યક્તિના પ્રૉપર્ટી-પેપરો ગુમાવી દીધા હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે બૅન્કને પ્રતિ દિવસ ૫૦૦૦ રૂપિયાના હિસાબે દંડ ફટકાર્યો છે. આ દંડ ૨૦૨૩ની પહેલી ડિસેમ્બરથી શરૂ થશે અને જ્યાં સુધી બૅન્ક ઓરિજિનલ દસ્તાવેજ આપશે નહીં ત્યાં સુધી લાગુ રહેશે.
એક ફર્મે ૧૯૭૯માં લોન લીધી ત્યારે બે પ્રૉપર્ટીના મૂળ દસ્તાવેજો SBIમાં સિક્યૉરિટી તરીકે જમા કરાવ્યા હતા. ૨૦૦૩માં લોનની સંપૂર્ણ રકમ ચૂકવી દીધા બાદ પણ પ્રૉપર્ટીના દસ્તાવેજો પાછા આપવામાં આવ્યા નહોતા. વારંવાર વિનંતી કર્યા પછી પણ બૅન્ક દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ તેથી એણે કોર્ટમાં કેસ કર્યો હતો. સુનાવણી દરમ્યાન SBIએ સ્વીકાર્યું હતું કે એની પાસે બે પ્રૉપર્ટીના મૂળ દસ્તાવેજો નથી. બૅન્કે કહ્યું હતું કે ફર્મે લોન ચૂકવ્યા બાદ તરત જ પ્રૉપર્ટીના દસ્તાવેજ લેવા અમારો સંપર્ક કર્યો નહોતો અને તેથી આમાં અમારી ભૂલ નથી, પણ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે કહ્યું કે લોનની ચુકવણી થયા પછી પણ બૅન્કની જવાબદારી પૂરી થતી નથી. આ દસ્તાવેજ મહત્ત્વપૂર્ણ છે અને એની જાળવણી કરવી અને લોન ચૂકવાઈ ગયા બાદ એના માલિકને પાછા આપવા એ બૅન્કની જવાબદારી છે.

state bank of india bombay high court mumbai high court offbeat news hatke news