સિંહોથી બચાવવા માટે બોત્સવાનામાં ખેડૂતો ગાયની પાછળ આંખો બનાવે છે

30 July, 2026 05:37 PM IST  |  Gaborone | Gujarati Mid-day Correspondent

બોત્સવાનામાં ખેડૂતો ગાયોના પાછળના ભાગ પર આંખો દોરીને સિંહોના હુમલાથી ઢોરને બચાવવાનો અનોખો પ્રયોગ કરી રહ્યા છે. આ સરળ ઉપાયથી સિંહો ગૂંચવાઈ જાય છે અને હુમલાના બનાવોમાં ઘટાડો થયો હોવાનું ખેડૂતોનું કહેવું છે.

સિંહોથી બચાવવા માટે બોત્સવાનામાં ખેડૂતો ગાયની પાછળ આંખો બનાવે છે

દક્ષિણ આફ્રિકાના બોત્સવાના દેશમાં ખેડૂતોએ પોતાનાં ઢોરઢાંખરને જંગલી પશુઓના હુમલાથી બચાવવા માટે અનોખો જુગાડ શોધ્યો છે જે ઘણે અંશે સફળ પણ રહ્યો છે. બોત્સવાનામાં આફ્રિકન સિંહોની સંખ્યા ખૂબ છે. આ સિંહો જંગલમાંથી રહેણાક વસાહતોમાં આવીને ગાયોને ઉપાડી જતા હોવાથી ખેડૂતોને ખૂબ તકલીફ થતી હતી. ગાયો જ્યારે ઝૂંડમાં જંગલમાં ચરવા જાય ત્યારે સિંહો મોટા ભાગે પાછળથી હુમલો કરે છે. સિંહો સામા મોંએ હુમલો કરવાનું ટાળે છે. આ ટેક્નિકનો ફાયદો લઈને ખેડૂતોએ ગાયોની પૂંઠ પાસે પૂંછડીની બે તરફ આંખો દોરવાનું શરૂ કર્યું છે. એને કારણે સિંહો હુમલો કરવા જાય ત્યારે આંખો જોઈને એ ધીમા પડી જાય છે. ખેડૂતોનું કહેવું છે કે આ પ્રયોગથી ગાયોનો જીવ બચી રહ્યો છે. 

south africa world news international news offbeat news hatke news