07 May, 2025 11:26 AM IST | Brasília | Gujarati Mid-day Correspondent
કેલ મૅસેટરે અને પતિ બ્રુનો કૉર્ડિસ્કોનાં
બ્રાઝિલમાં ૪૧ વર્ષની કેલ મૅસેટરે અને તેનો ૪૨ વર્ષનો પતિ બ્રુનો કૉર્ડિસ્કોનાં લગ્નને ૧૯ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમને બે દીકરાઓ છે - ૧૯ વર્ષનો હેન્રી અને ૧૩ વર્ષનો હૅક્ટર. વર્ષો સાથે રહ્યા પછી હવે પતિ-પત્ની બન્ને એકબીજાથી બોર થઈ ગયેલાં. જીવનમાં તેમને કંઈક નાવીન્ય અને રોમાંચ જોઈતાં હતાં એટલે તેમણે અજીબોગરીબ રસ્તો શોધ્યો. તેમણે વિચાર્યું કે એકબીજાથી છુપાઈને કોઈકની સાથે અફેર કરવું એના કરતાં ઓપન મૅરેજની જેમ એકબીજાની મરજીથી નવા કોઈ પાર્ટનર સાથે રહીએ તો જીવનમાં સ્પાઇસ ઉમેરાશે. બન્નેએ પોતાનો બીજો લવ-ઇન્ટરેસ્ટ શોધી લીધો છે. કેલનો બૉયફ્રેન્ડ અને બ્રુનોની ગર્લફ્રેન્ડ બન્નેને તેમણે પોતાના ઘરે જ રહેવા બોલાવી લીધાં છે. શરૂઆતમાં કેલને લાગતું હતું કે આના કરતાં તો તેમણે ડિવૉર્સ લઈ લેવા જોઈએ, પરંતુ પરસ્પરની મંજૂરીથી મનપસંદ બૉયફ્રેન્ડ અને પતિ બન્નેની સાથે રહેવાનો એક વાર પ્રયોગ કરવાનું વિચાર્યું અને એ તેને ગમી પણ ગયો. હવે કેલનો બૉયફ્રેન્ડ તેમની સાથે જ રહે છે અને બ્રુનોની ગર્લફ્રેન્ડ જેનિફર દર વીક-એન્ડમાં ઘરે રહેવા આવે છે. આ જ ઘરમાં તેમના ૧૯ અને ૧૩ વર્ષના દીકરાઓ પણ રહે છે. બન્ને કપલના અલગ-અલગ બેડરૂમ છે અને બધા જ હળી-મળીને ઘરનું કામ કરે છે. બાળકોને લગતા નિર્ણયો પતિ-પત્ની સાથે મળીને લે છે. યુગલનું કહેવું છે કે તેમના સંબંધો બહારની દુનિયાના લોકોને બહુ સમજાતા નથી, પણ અમે ખુશ છીએ.