17 October, 2026 09:01 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent
સપનાની રાણીને મળવા ગયો યુવતી AI નીકળી
પ્રેમમાં માણસ સાત સમંદર પાર પણ પહોંચી જતો હોય છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા પર થતો અંધ પ્રેમ કેટલો જોખમી બની શકે છે એનો એક કરુણ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝિલમાં ૪૯ વર્ષનો એક પુરુષ જેને પોતાના ‘સપનાની રાણી’ માની બેઠો હતો તેને મળવા માટે પોતાની આખી જિંદગીની જમા-પૂંજી ખર્ચીને ૨૦૦૦ કિલોમીટર દૂર પહોંચી ગયો હતો. જોકે ત્યાં પહોંચ્યા પછી જે કડવી વાસ્તવિકતા સામે આવી એણે તેના પગ નીચેથી જમીન સરકાવી દીધી. જે યુવતી માટે તે સર્વસ્વ લૂંટાવી બેઠો હતો તે વાસ્તવમાં કોઈ જીવતી-જાગતી વ્યક્તિ નહીં પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલું એક કાલ્પનિક મૉડલ નીકળી.
માતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતો એડિમર રોચા માર્ટિન્સ નામનો કડિયો કોઈ સાથીની શોધમાં હતો ત્યારે તેની નજર સોશ્યલ મીડિયા પર એક સુંદર યુવતીના વિડિયો પર પડી હતી.
એડિમર ધીમે-ધીમે એ અકાઉન્ટના વિડિયોઝના પ્રેમમાં પડ્યો અને ચૅટિંગ શરૂ કર્યું. સોશ્યલ મીડિયા પર ‘જેસિકા ફઝેન્ડેરા’ નામથી ચાલતા આ અકાઉન્ટ પરથી એડિમરને મળવા અને સાથે રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. એટલું જ નહીં, એવો પણ વાયદો કરાયો કે મુસાફરીનો તમામ ખર્ચ તે પોતે ઉઠાવશે અને સાથે આર્થિક મદદ પણ કરશે.
ઈંટ-પથ્થરનું કામ કરતા એડિમરની કમાણી ખૂબ ઓછી હતી. છતાં તેણે પ્રેમમાં અંધ બનીને પોતાની બચત ભેગી કરી. તે પોતાના ગામથી ૩૬ કલાકથી વધુ સમય બસની મુસાફરી કરીને આશરે ૨૦૦૦ કિલોમીટર દૂર આવેલા શહેરમાં પહોંચ્યો.
શહેરમાં પહોંચ્યા પછી જેસિકાનો ફોટો લઈને રસ્તે જતા લોકોને પૂછતો રહ્યો, પરંતુ કોઈ તેને ઓળખતું નહોતું. આખરે ઘણી રઝળપાટ પછી ખુલાસો થયો કે જેસિકા નામની કોઈ યુવતી અસ્તિત્વમાં જ નથી. આ આખું અકાઉન્ટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીથી જનરેટ કરેલા વિડિયોઝ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. તેને જ્યારે આ વિશ્વાસઘાતની જાણ થઈ ત્યારે તેનાં ખિસ્સાં સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યાં હતાં અને પાછા ફરવા માટે બસની ટિકિટના પૈસા પણ બચ્યા નહોતા. લાચાર હાલતમાં ભટકતા એડિમરને સરકારી અધિકારીઓએ ટિકિટની વ્યવસ્થા કરીને હેમખેમ ઘરે પાછો મોકલ્યો હતો.