23 January, 2026 01:24 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
માઇકી
બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રહેતા ૧૬ વર્ષના માઇકી નામના ટીનેજરને જાણે પહેલેથી પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. તે ક્યારે મૃત્યુ પામવાનો છે એ તો ઠીક, કઈ રીતે તેનું મૃત્યુ થશે એ પણ તેણે પહેલેથી જ ભાખી લીધું હતું એવું તેની માતા હેલીનું કહેવું છે. તાજેતરમાં હેલીએ પોતાના દીકરાનું મૃત્યુ થયું એ ઘટના વિશે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. હેલીએ કહ્યું હતું કે ‘માઇકી છેલ્લા ઘણા સમયથી કહેતો હતો કે મારું મૃત્યુ બહુ નજીક છે અને એ પણ કોઈ મને ચાકુ મારી દેશે ત્યારે મૃત્યુ થશે. અમે એ વાત હસવામાં કાઢી નાખતા હતા. મને લાગતું હતું કે તેને આસપાસ સંભળાતી હિંસક ઘટનાઓને કારણે ડર પેસી ગયો છે, પણ મારો દીકરો સ્વસ્થ હતો. જે દિવસે તેનું મૃત્યુ થયું એ સાંજે હું એક કાર્યક્રમમાં ગઈ હતી. તેણે મને ફોન પર કહ્યું હતું કે તે દોસ્તોની સાથે એક હાઉસ-પાર્ટીમાં જાય છે, કદાચ આ છેલ્લી વાર વાત કરીએ છીએ. ‘આઇ લવ યુ મૉમ’. મને લાગતું હતું કે આ તેનો ભય છે, દોસ્તો સાથે પાર્ટીમાં જશે તો સારું ફીલ કરશે. જોકે કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં માઇકીના દોસ્તના ૩૦ મિસ્ડ કૉલ આવી ગયેલા. મેં ફોન કર્યો તો તેના દોસ્તે ગભરાટમાં કહ્યું કે માઇકીને કોઈકે ચાકુ મારી દીધું છે અને તે મરી ગયો છે. મને લાગ્યું કે આ માઇકીની મજાક છે, પણ એવું નહોતું. પોલીસતપાસમાં ખબર પડી હતી કે કોઈકે માઇકીની ગરદન પર ઝોમ્બી નાઇફથી હુમલો કર્યો હતો. માઇકી કહેતો હતો કે કોઈ તેને ગરદન પર ચાકુ મારી દેશે.’
હકીકતમાં માઇકીને પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો કે આ કોઈ યોગાનુયોગ જ હતો એ તો હવે ભગવાન જ કહી શકે.