08 June, 2026 12:50 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બ્રિટનનો હૅરી જૅગાર્ડ
વિદેશથી આવતા અનેક લોકો આજકાલ ભારતના કલ્ચર અને ભારતમાં થયેલા અનુભવો સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. એમાં એક લેટેસ્ટ ઉમેરો છે બ્રિટનના હૅરી જૅગાર્ડનો. તેણે ભારતના એક શહેરમાં એક આખો દિવસ પૈસા વિના જીવવાનો પ્રયોગ કર્યો હતો. શહેર પસંદ કર્યું પંજાબનું અમ્રિતસર. તેને મનમાં હતું કે ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વિના દિવસ કાઢવામાં ખૂબ સંઘર્ષ અને અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડશે, લોકો તેને હડધૂત અને અપમાનિત પણ કરી શકે છે. જોકે એને બદલે તેની સાથે લોકોએ જે કર્યું એનાથી ભાઈસાહેબ ગદ્ગદ થઈ ગયા. કોઈ વિદેશી માણસ પૈસા વિના ભારતમાં ફસાઈ ગયો છે એ જાણીને સ્થાનિકોએ તેની સાથે એ ઉદારતા દાખવી કે ન પૂછો વાત. હૅરીએ ગોલ્ડન ટેમ્પલ પાસે આવેલી કપડાંની એક દુકાનમાં જઈને પ્રામાણિકતાથી કહ્યું કે તેણે એક દિવસ માટે રૂપિયા વિના જીવવાની ચૅલેન્જ ઉઠાવી છે. એ સાંભળીને દુકાનદારે તેને પ્રેમથી આવકાર્યો અને કહ્યું કે એ તો ભારતમાં બહુ આસાન છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દુકાનદાર તેને શૉપની ઉપર આવેલા ધાબે લઈ ગયો અને ત્યાં તેને ચા-બિસ્કિટ આપ્યાં. બન્નેએ મજ્જેથી વાતો કરી અને બપોર થતાં પંજાબના ફેમસ છોલે-કુલ્ચા ખવડાવ્યા. એ ગલીમાં ફરવા નીકળેલા હૅરીએ એ પછી તો સ્થાનિકો સાથે ખૂબ વાતો કરી, પંજાબી મ્યુઝિક પર ડાન્સ કર્યો. સાંજે જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે દરેક જણે આ ભાઈને કંઈક ને કંઈક ગિફ્ટ યાદગીરીરૂપે આપી હતી.