06 May, 2026 04:22 PM IST | Alaska | Gujarati Mid-day Correspondent
પાણી પીવા માટે હેલિકૉપ્ટર લઈને ગ્લૅસિયર પર જાય છે આ બહેન
બિઝનેસમૅન પરિવારની એક દીકરીનો સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે. તેને પાણી પણ એકદમ શુદ્ધ અને ફ્રેશ જોઈએ છે. તે કદી બૉટલનું કે બ્રૅન્ડેડ પાણી વાપરતી નથી. વાત એમ છે કે એના લિન્ડે નામની આ યુવતીનો દાવો છે કે તે પાણી માટે હેલિકૉપ્ટર લઈને ગ્લેશિયર પાસે જાય છે અને ત્યાં બરફમાંથી પીગળીને બનેલું કુદરતી ગ્લૅસિયર વૉટર જ પીએ છે. આ તેની લાઇફસ્ટાઇલ છે એવો દાવો કરતી એક રીલ પણ બનાવી છે. એ રીલમાં તે સવારે ઊઠીને ફ્રેશ થઈને હેલિકૉપ્ટરમાં બેસીને ગ્લૅસિયર્સ પાસે જાય છે અને ત્યાં વહેતા પારદર્શક પાણીને ખોબામાં લઈને પીએ છે. આ વાત ખરેખર કેટલી સાચી કે ખોટી એ તો એનાબહેન પોતે જ જાણે. જોકે એના એક મોટા બિઝેનસ પરિવારની વારસદાર છે અને તેમનો અબજોનો રિયલ એસ્ટેટ અને ઑઇલનો કારોબાર છે. એના હંમેશાં પ્રાઇવેટ જેટમાં ફરતી એના લક્ઝરી વૅકેશન્સ અને મોંઘી બ્રૅન્ડ્સની રીલ્સ બનાવતી રહેતી હોય છે. ગ્લૅસિયરનું પાણી પીવાના આ વિડિયોમાં તે કહે છે કે મને સમજાતું નથી કે લોકો બૉટલનું પાણી પીતાં કઈ રીતે હશે? આ બહેનના સવાલની સામે લોકોએ અમીરીના દેખાડા માટે તેને ખૂબ ટ્રોલ કરી છે.