28 September, 2026 01:40 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent
વૃદ્ધ મહિલા લૂંટ
આજકાલના ચોરોનું પણ કહેવું પડે. લક્ઝરી કારમાં ધોળેદહાડે લૂંટ કરવા નીકળે છે. કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં એક રેસિડેન્શિયલ વિસ્તારમાં CCTV કૅમેરામાં ચોરીની અજીબ ઘટના કેદ થઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મોટી લક્ઝરી કારમાંથી ઊતરે છે અને પાસે ઊભેલાં વૃદ્ધ માજીને પગે લાગીને જાણે આશીર્વાદ લે છે અને પછી ગળે પણ લગાવે છે. ગળે લગાવીને જાણે વાતચીત કરતી હોય એમ ચોરટી વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી રાખે છે અને તેના ગળા અને હાથમાંથી જ્વેલરી કાઢીને જતી રહે છે. ૭૮ વર્ષની એ મહિલાને એ પછી તે લૂંટાઈ ગઈ હોવાનો અહેસાસ થાય છે. આ મહિલાના દીકરાનું કહેવું છે કે ચોર લગભગ ૧૧૦ ગ્રામની જ્વેલરી ચોરીને ભાગી ગઈ છે. લગભગ ૧૯ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ઇમોશનલ વૅલ્યુ ખૂબ વધારે હતી એવું આ મહિલાનું કહેવું છે.
હવે કૅનેડાની પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજના આધારે સફેદ લક્ઝરી કાર અને એમાં દેખાતી મહિલાની શોધ કરી રહી છે.