19 August, 2026 04:46 PM IST | Fredericton | Gujarati Mid-day Correspondent
ઑટિઝમ ધરાવતા દીકરા સાથે વાતચીત કરવા મમ્મીએ પોતાના હાથ પર કીબોર્ડનું ટૅટૂ છૂંદાવ્યું
કૅનેડાના ફ્રેડરિક્ટનમાં રહેતી જેસિકા ફ્લેચર નામની મહિલાએ તેના ૧૧ વર્ષના દીકરા સાથે વાતો કરવા માટે પોતાના હાથ પર કમ્પ્યુટરનું કીબોર્ડ છૂંદાવ્યું છે. તેનો દીકરો ઑટિઝમ નામની કૉમ્પ્લેક્સ ન્યુરોલૉજિકલ અને બિહેવિયરલ સમસ્યા ધરાવે છે. આવાં બાળકોને વાતચીત કરવામાં અને લોકો સાથે હળવાભળવામાં મુશ્કેલી થતી હોય છે. તેઓ સ્પષ્ટ બોલી કે કમ્યુનિકેટ નથી કરી શકતાં. જેસિકાના દીકરાને તો વળી નૉન-વર્બલ ઑટિઝમની તકલીફ છે. મતલબ કે તે કોઈ જ કમ્યુનિકેશન બોલીને નથી કરતો. જોકે બાળપણથી જ કમ્પ્યુટર અને ટૅબ્લેટ સાથે રમતો દીકરો વાંચે છે અને ટાઇપ પણ કરે છે. જેસિકા પોતાના દીકરા સાથે જ્યારે પણ કંઈક ઇમોશનલ વાત કરવા ઇચ્છે તો દીકરો એ કમ્યુનિકેટ કરી શકે એ માટે હંમેશાં તેની પાસે એક ટૅબ્લેટ રાખવાનું શરૂ કર્યું. જોકે ક્યારેક ટૅબ્લેટ સાથે ન હોય તો શું? જોકે હવે તેણે આનો પણ રસ્તો શોધી કાઢ્યો છે. તેણે દીકરો કોઈ પણ જગ્યાએ ટાઇપ કરીને કમ્યુનિકેટ કરી શકે એ માટે પોતાના જ હાથ પર કીબોર્ડ છૂંદાવ્યું છે.
આ આઇડિયા જેસિકાને એક રેસ્ટોરાંમાં જમવા ગયા ત્યારે આવ્યો હતો. તેનું ટૅબ્લેટ ખરાબ થઈ ગયું હતું. એવા સમયે દીકરાને શું જમવું છે એ જાણવાનું અઘરું થઈ ગયું હતું. એ સમયે દીકરાએ જવાબ આપવા માટે કાગળ પર એક કીબોર્ડ બનાવ્યું અને પછી એના પર ટાઇપ કરીને ઑર્ડર આપ્યો. આ જોઈને જેસિકાને પણ આઇડિયા આવ્યો કે જો દીકરા સાથે કોઈ મશીનના માધ્યમની આવશ્યકતા અવૉઇડ કરવી હોય તો પોતાના જ હાથ પર કીબોર્ડ ટાઇપ કરી દેવું. આ કીબોર્ડમાં તેણે પોતાની રીતે બે ચેન્જ કર્યા છે. એક ખુશ ચહેરો, એક ઉદાસ ચહેરો અને એક ‘I Love you’ બટન પણ એમાં રાખવામાં આવ્યું છે. જેસિકાના આ જુગાડને ૧૦ કરોડ વ્યુઝ મળ્યા છે.