25 May, 2026 06:10 PM IST | Chandigadh | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ચંદીગઢના સૅક્ટર-9 માર્કેટમાં દારૂ બ્રાન્ડના પ્રમોશનલ કાર્યક્રમને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. એવો આરોપ છે કે, નવી લૉન્ચ થયેલી દારૂ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે, ‘દારૂ આઈસ રોલ્સ’ એટલે દારૂ ભેળવીને બરફ ગોળા જાહેર સ્થળે લોકોને મફતમાં વહેંચવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, સૅક્ટર-3 પોલીસે આ મામલે FIR નોંધી છે અને દારૂના વિક્રેતાના માલિક રાજેશ સચદેવાની ધરપકડ કરી છે. પોલીસ હવે આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સામેલ અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સૅક્ટર-9 માર્કેટની બહાર મોટી ભીડ એકઠી થતી જોવા મળી રહી છે. વીડિયોમાં, લોકોને જાહેરમાં આઈસ રોલ્સ પીરસવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે આ બરફના રોલ્સને સ્મિર્નોફ મિન્ટી જામુન ફ્લેવરવાળા વોડકા સાથે મિક્સ કરીને જાહેર લોકોને મફતમાં વહેંચવામાં આવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ ઈવેન્ટ સૅક્ટર-9 માં સ્થિત `લિકર વર્લ્ડ` નામની દારૂની દુકાનની બહાર આયોજિત કરવામાં આવી હતી. આ વિસ્તાર ચંદીગઢના પોર્શ વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે અને શહેરના ઘણા અગ્રણી લોકો નિયમિતપણે અહીં આવે છે.
પોલીસ રેકોર્ડ અનુસાર, આ કથિત પ્રમોશનલ ઈવેન્ટમાં એક ખાનગી કંપનીનો કોન્ટ્રેક્ટ ઓપરેટર પણ સામેલ હતો. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવા અને દારૂ પીરસવા માટે કયા સ્તરે પરવાનગી આપવામાં આવી હતી, અને આ પ્રક્રિયામાં કોણે ભૂમિકા ભજવી હતી. આ કેસ અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને દારૂના કોન્ટ્રેક્ટ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, અને કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રશાસનની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હાલમાં, સૅક્ટર-3 પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વાયરલ વીડિયો અને ઘટનાસ્થળેથી એકત્રિત કરાયેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખુલ્લામાં દારૂ પીરસતી વખતે અને પ્રમોશન ઍક્ટિવિટી દરમિયાન કોઈ કાયદા કે લાઇસન્સિંગ નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ. આ ઘટનાના ખુલાસા બાદ, લોકોએ સોશિયલ મીડિયા પર જાહેર સ્થળે આ રીતે દારૂ પીરસવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.