જજ પોતાની તરફેણમાં ચુકાદો આપે એ માટે સ્મશાનમાં તેમની તસવીર પર કાળો જાદુ કર્યો

10 August, 2026 05:53 PM IST  |  Bilaspur | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢમાં સંબંધીને જામીન મળે એ માટે ચાર લોકોએ સ્મશાનમાં કાળો જાદુ કરવાની કોશિશ કરી. તંત્રવિધિમાં હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની તસવીરનો ઉપયોગ કરતાં એક યુવક ઝડપાયો.

જજ પોતાની તરફેણમાં ચુકાદો આપે એ માટે સ્મશાનમાં તેમની તસવીર પર કાળો જાદુ કર્યો

છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના દેઓરી ગામમાં એક અજીબોગરીબ ઘટના બની. જેલમાં બંધ પોતાના સંબંધીને જામીન મળી જાય એ માટે ૪ લોકોએ શુક્રવારે અડધી રાતે સ્મશાનઘાટમાં તાંત્રિક ક્રિયા અને કાળો જાદુ કરવાની કોશિશ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીઓએ આ તંત્રવિદ્યામાં છત્તીસગઢની હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રમેશ સિંહાની તસવીર પર બલિ અને તંત્રમંત્રનો સામાન ચડાવ્યો. સ્મશાનમાં શંકાસ્પદ હિલચાલ જોઈને નજીકના ગામવાળાઓએ એક યુવાનને રંગેહાથ પકડ્યો હતો, જ્યારે બાકીના ૩ સાથીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. પકડાયેલા યુવાનનું નામ હૃષીકેશ કુમાર હતું. ગામલોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસને સ્મશાનઘાટની તલાશીમાં ચીફ જસ્ટિસ રમેશ સિંહા અને અન્ય બે અજાણી વ્યક્તિઓની તસવીરો અને તંત્ર-મંત્રનો સામાન મળ્યાં હતાં. પોલીસે હૃષીકેશની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે ‘મારા એક સંબંધીની જામીનઅરજી છત્તીસગઢની કોર્ટમાં પડી છે. જામીન મેળવવા માટે મેં એક તાંત્રિક બાબાનો સંપર્ક કર્યો હતો. તેણે કહેલું કે જજસાહેબ પર જાદુ કરી દઈશું તો જામીન મળી જશે.’

chattisgarh Crime News india offbeat news hatke news