ઑફિસમાં દારૂ પીતા કર્મચારીને કંપનીએ કાઢી મૂક્યો, કોર્ટે એ માટે કર્મચારીને ૫૦ લાખનું વળતર અપાવ્યું

28 February, 2026 12:33 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

બસ, કોર્ટે કંપનીને એ કર્મચારીને કાં તો ફરીથી નોકરીમાં પાછો લેવાનો અથવા તો ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો. કંપનીએ કર્મચારીને પાછો લેવાને બદલે વળતર આપ્યું હતું.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સ્પેનમાં એક કર્મચારી ઑફિસમાં કામ કરવા આવે એ પછી બિઅર પીતો હોય એવી શંકા હતી. કંપનીની પૉલિસી મુજબ ઑફિસના સમયમાં અને ઑફિસની અંદર દારૂ કે દારૂ હોય એવું કોઈ પણ પીણું પીવા પર પ્રતિબંધ હતો. જોકે આ માણસ બિઅર પીતો હોવાની શંકા જતાં તેના ઉપરીએ આ માટે તેની પાછળ ડિટેક્ટિવ ગોઠવ્યા. ઑફિસમાં તે કોઈની નજરે ચડે એ રીતે તો દારૂ નહોતો પીતો, પરંતુ એ પછી બિઅર ક્યાંકથી પીને આવતો હતો એવું લાગતું હતું. આ ફરિયાદ પર કંપનીએ કર્મચારીની પાછળ જાસૂસ બેસાડ્યા અને કંપનીનો શક સાચો પડ્યો. લંચ-બ્રેક દરમ્યાન તે પાર્કિંગમાં જઈને પોતાની કારમાં બેસીને બિઅર પીતો હતો. આ વાતના પુરાવા મળ્યા એટલે કંપનીએ તરત જ તેને પાણીચું પકડાવી દીધું. અચાનક નોકરી જતી રહેતાં કર્મચારી પણ ચિંતામાં મુકાઈ ગયો. જોકે તેણે પોતાને કાઢી મુકાયો એ પાછળનું કારણ ગેરકાનૂની છે એની અપીલ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો અને કોર્ટે ખરેખર કર્મચારીની ફેવરમાં ચુકાદો આપ્યો. જજનું કહેવું હતું કે કર્મચારી લંચ-બ્રેકમાં બિઅર પીતો હતો. લંચ-બ્રેક એ ઑફિસનો વર્કિંગ અવર નથી ગણાતો. બીજું, તે પોતાની કારમાં બેસીને પીતો હતો એટલે કંપનીના બિલ્ડિંગનો ઉપયોગ પણ નહોતો કરતો. બીજી તરફ કંપની એ સાબિત ન કરી શકી કે બિઅર પીવાને કારણે તેના કામ પર માઠી અસર પડતી હતી. બસ, કોર્ટે કંપનીને એ કર્મચારીને કાં તો ફરીથી નોકરીમાં પાછો લેવાનો અથવા તો ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો. કંપનીએ કર્મચારીને પાછો લેવાને બદલે વળતર આપ્યું હતું.

offbeat news spain international news europe food and drink