પ્રી-વેડિંગ શૂટ છે કે ક્રાઇમ પૅટ્રોલનો સીન?

20 March, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રી-વેડિંગ શૂટમાં મોટા ભાગે સપનાંની રમણીય દુનિયા દેખાડવામાં આવતી હોય છે, પણ આ તો હકીકત કરતાંય વધુ ડરામણું હતું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

લગ્ન પહેલાં યુગલ મોટા ભાગે સુંદર કપડાં પહેરીને સનસેટ કે સૂર્યોદય થતો હોય કે પછી સમુદ્ર ઘૂઘવતો હોય કે પહાડી સૌંદર્ય જેવું બૅકડ્રૉપ પસંદ કરે. આજકાલ તો ભારતમાં રહીને વિદેશમાં ફોટોશૂટ કરાવ્યું હોય એવાં બૅકડ્રૉપ્સ પણ અવેલેબલ છે. જોકે સોશ્યલ મીડિયામાં એક કપલનું પ્રી-વેડિંગ ફોટોશૂટ જોઈને ભલભલા ડરી ગયા છે. તેમની પ્રી-વેડિંગ શૂટની તૈયારીઓની એક રીલ વાઇરલ થઈ છે જેમાં યુગલ સફેદ અને સિમ્પલ કપડાં પહેરીને ગંદા પાણીમાં પડ્યું છે. બન્નેનાં માથાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે અને બન્નેએ એકમેકનો હાથ પકડી રાખ્યો છે. બન્નેનાં બૉડી જાણે હમણાં પાણીની અંદર ડૂબી જશે એવું લાગે છે. અલબત્ત, પાણી છીંછરું અને ગંદું છે એટલે એમાં ડૂબી જવાય એવું નથી, પરંતુ રીલ દરમ્યાન માહોલ એવો બનાવવામાં આવ્યો છે જાણે બે પ્રેમી પંખીડાં પાણીમાં ડેડબૉડી થઈને પડ્યાં હોય, જ્યારે વિડિયોગ્રાફર ઘૂંટણભર પાણીમાં ચાલીને અલગ-અલગ જગ્યાએથી શૉટ્સ લેવાની જહેમત ઉઠાવે છે. ‍પ્રી-વેડિંગ શૂટમાં મોટા ભાગે સપનાંની રમણીય દુનિયા દેખાડવામાં આવતી હોય છે, પણ આ તો હકીકત કરતાંય વધુ ડરામણું હતું.

offbeat news social media viral videos social networking site