આઇડેન્ટિકલ ટ્રિપ્લેટ્સ છોકરીઓના જન્મનો ‘લાખોમાં એક’ કિસ્સો

05 August, 2021 10:17 AM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની હૉસ્પિટલમાં ગૅબ્રિયેલાની કૂખે ત્રણ તંદુરસ્ત, સુંદર અને સમાન દેખાવ ધરાવતી બાળકીઓનો જન્મ થયો હતો

આઇડેન્ટિકલ ટ્રિપ્લેટ્સ

ન્યુ જર્સી સ્ટેટની ગ્લુસ્ટર ટાઉનશિપનાં રહેવાસી માર્ક બોડ્રોગ અને ગૅબ્રિયેલા મોસ્કેરાએ તાજેતરમાં પોતાના પરિવારમાં હમશકલ કન્યા ત્રિપુટીનું સ્વાગત કર્યું હતું. ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની હૉસ્પિટલમાં ગૅબ્રિયેલાની કૂખે ત્રણ તંદુરસ્ત, સુંદર અને સમાન દેખાવ ધરાવતી બાળકીઓનો જન્મ થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના ૬૦,૦૦૦થી માંડીને ૨૦ કરોડ કિસ્સામાં માંડ એક બનતી હોય છે. એ દંપતીને કદાચ જોડિયાં બાળકો અવતરે એવી સંભાવના જણાતી હતી. પરંતુ આવા સરસ ટ્રિપ્લેટ્સ અવતરશે એવી તેમને જરાય ધારણા નહોતી. હમશકલ જોડિયાં બાળકોની સરખામણીમાં હમશકલ ત્રિપુટીની ઘટનાઓનું પ્રમાણ સાવ ઓછું છે. એ સમાચાર જાણ્યા પછી થોડી ક્ષણો માટે માર્કની આંખો ચકળવકળ થઈ અને વીસ મિનિટ સુધી ગોળ-ગોળ આંટા માર્યા પછી એ શાંત થઈને બેઠો હતો. 
તેમનાં નામ અનાતેસિયા, ઓલિવિયા અને નાદિયા પાડવામાં આવ્યાં છે. ઘરે તેમની બે મોટી બહેનો ઇઝાબેલા અને સોફિયા પણ છે. ગૅબ્રિયેલા હવે બેમાંથી સીધી પાંચ છોકરીઓની માતા બની ગઈ છે. 
૩૪ અઠવાડિયાં અને ચાર દિવસો સુધી ડૉક્ટરો, નર્સિસ તથા અન્ય ત્રીસેક તબીબી વ્યાવસાયિકોએ ગૅબ્રિયેલાની સારવાર કર્યા પછી સ્વસ્થ અને સુર​િક્ષત રીતે આ બાળકીઓનું આગમન શક્ય બન્યું છે. દરેક બાળકીનું વજન ૨.૨ કિલો છે. ૮ જુલાઈએ બાળકીઓના જન્મ પછી થોડા દિવસોમાં ગૅબ્રિયેલાને ડિસ્ચાર્જ અપાતાં તે ઘરે પહોંચી ગઈ છે પરંતુ હૉસ્પિટલના તબીબો બાળકીઓ અને તેમનાં માતા-પિતાના સંપર્કમાં છે.

offbeat news international news new jersey