૫૮ કલાક લાંબી કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર કપલ છૂટું પડી ગયું

15 May, 2026 02:35 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

૨૦૧૩માં થાઇલૅન્ડના યુગલે સૌથી લાંબી કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો અને એને કારણે જગતભરમાં રાતોરાત ફેમસ થઈ ગયું હતું

થાઇલૅન્ડનું યુગલ

પ્રેમમાં હો ત્યારે કોઈ પણ રેકૉર્ડ તોડવો આસાન લાગે છે, પણ પ્રેમ આખી જિંદગી નિભાવવો અઘરો છે. ૨૦૧૩માં થાઇલૅન્ડના યુગલે સૌથી લાંબી કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો અને એને કારણે જગતભરમાં રાતોરાત ફેમસ થઈ ગયું હતું. લોકો એ યુગલની મોહબ્બતને અતૂટ માનવા લાગ્યા હતા. આ યુગલે ૫૮ કલાક, ૩૫ મિનિટ અને ૫૮ સેકન્ડ સુધી કિસ કરી હતી. ૨૦૧૧માં તેમણે પોતે ૪૬ કલાક લાંબી કિસ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો અને બે વર્ષ પછી તેમણે પોતાનો જે રેકૉર્ડ તોડ્યો હતો. જેમની વચ્ચે શારીરિક આકર્ષણ ખૂબ હોય તેમનો સંબંધ પણ ખૂબ મજબૂત હોય. જોકે થાઇલૅન્ડના એક્કાચાઈ અને લક્સાના નામના આ યુગલના કેસમાં એ સાચું નથી પડ્યું. આ યુગલ થોડા સમય પહેલાં છૂટું પડી ગયું. આ સમાચારે સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો. તેમના ઇન્ટાગ્રામ પર પણ તેમને આઇડિયલ અને ગળામાં ડૂબેલું યુગલ માનવામાં આવતું હતું. એ પછી પણ તેમણે લગ્નજીવનનો અંત આણવાનું પસંદ કર્યું હતું. હજી પણ તેમની વચ્ચે કડવાશ હોય એવું જણાતું નથી, તેમણે માત્ર પોતપોતાનું જીવન અલગ રીતે જીવવાનું નક્કી કર્યું છે. તેમનાં સંતાનો માટે બન્ને મળે પણ છે અને સાથે સમય પણ વિતાવે છે; પરંતુ યુગલ તરીકે નહીં, પેરન્ટ્સ તરીકે.

offbeat news thailand international news world news sex and relationships guinness book of world records