✕

બૉયફ્રેન્ડ કોઈ બીજી યુવતીને પરણી રહ્યો છે એ જાણીને ગર્લફ્રેન્ડ ઢોલનગારાં સાથે જાન લઈને તેના ઘરે પહોંચી ગઈ

22 November, 2026 10:45 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક દિવસથી બન્ને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. આ દરમ્યાન સોનિયાને જાણ થઈ હતી કે અંકુશનાં લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થઈ ગયાં છે.

ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડના ઘરે જાન લઈને પહોંચી

ઉત્તર પ્રદેશના શામલીમાં દેહરાદૂનની એક યુવતી બૉયફ્રેન્ડના ઘરે ‘દુલ્હન લેકર આઈ બારાત’ એવું બૅનર લઈને પહોંચી જતાં હોબાળો મચી ગયો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે તેનો બૉયફ્રેન્ડ છેલ્લાં ૭ વર્ષથી તેની સાથે રિલેશનશિપમાં હતો અને વારંવાર લગ્ન કરવાનું વચન આપતો હતો. જોકે ૨૧ નવેમ્બરે તેનાં લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થયાં હોવાની જાણ થતાં યુવતી ઢોલ-નગારાં સાથે અચાનક બૉયફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ હતી. દેહરાદૂનમાં રહેતી સોનિયા બૅચલર ઑફ સાયન્સની વિદ્યાર્થિની છે, જ્યારે તેનો બૉયફ્રેન્ડ અંકુશ મર્ચન્ટ નેવીમાં છે. સોનિયાનું કહેવું છે કે તે ૨૦૧૯માં અંકુશની બહેનનાં લગ્નમાં પહેલી વાર અંકુશને મળી હતી. શરૂઆતમાં બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી, જે ધીમે-ધીમે પ્રેમસંબંધમાં ફેરવાઈ ગઈ હતી. બન્ને વચ્ચે મુલાકાતો અને વાતચીત ચાલુ રહી હતી અને અંકુશ વારંવાર લગ્ન કરવાનું વચન આપતો હતો. સોનિયાએ દાવો કર્યો હતો કે અંકુશે તેની સાથેની લગ્નની કંકોતરી પણ બનાવીને વૉટ્સઍપ પર મોકલી હતી.

છેલ્લા કેટલાક દિવસથી બન્ને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. આ દરમ્યાન સોનિયાને જાણ થઈ હતી કે અંકુશનાં લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થઈ ગયાં છે. આ વાતની જાણ થતાં સોનિયા માનસિક રીતે વ્યથિત થઈ ગઈ હતી. સોનિયાએ અંકુશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યાર બાદ સોનિયાએ સમગ્ર બાબતની જાણ પોતાના પરિવારને કરી હતી અને માતા તથા બહેન સહિત પરિવારના નવ સભ્યો સાથે બૉયફ્રેન્ડના ઘરે પહોંચી હતી.

સોનિયાનું કહેવું છે, ‘અંકુશે મને આપેલું લગ્નનું વચન પૂરું કરાવવા માટે હું અહીં આવી છું. મેં તેના પર વિશ્વાસ મૂક્યો હોવાથી આટલાં વર્ષો સુધી આ સંબંધમાં રહી હતી. આ સમગ્ર ઘટનાથી મને માનસિક ત્રાસ થયો છે અને મારી તબિયત પણ લથડી છે. હું અંકુશ સાથે જ લગ્ન કરીશ.’

uttar pradesh dehradun relationships india social media viral post offbeat news