02 June, 2026 11:32 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ નસ્સાર
જલદી-જલદી ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એનાથી મગજનો સ્ટ્રોક આવે એવો કેસ જોઈને ડૉક્ટરો પણ ચકિત થઈ ગયા છે. વાત એમ છે કે ઇંગ્લૅન્ડના ગ્રેટર મૅન્ચેસ્ટરના એક સ્ટોર પર સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા ૫૮ વર્ષના મોહમ્મદ નસ્સાર તેમને મળેલા નાનકડા બ્રેક દરમ્યાન ફટાફટ ખાવાનું ખાઈ રહ્યા હતા. એ દિવસે ખાવામાં તેમની પાસે ડોનટ્સ હતા અને તેમણે એના ડૂચા મારીને ઝટપટ ગળે ઉતાર્યા હતા. જોકે એક ટુકડો ગળામાં ફસાઈ જતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. કોળિયો ગળાઈ પણ નહોતો રહ્યો અને બહાર પણ નહોતો નીકળી રહ્યો. આ સ્થિતિમાં ગૂંગળાયા પછી તેઓ બેહોશ થઈને પડી ગયા. તરત જ સહકર્મચારીઓ અને સ્ટોરના મૅનેજરે તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા. તરત તેમને ઇમર્જન્સી સારવાર આપવામાં આવી અને તેમનો જીવ બચી ગયો. જોકે ગળામાં ફસાયેલા ખોરાકના ટુકડાને કારણે તેમના શરીરને ખાસ્સા સમય સુધી ઑક્સિજન મળતો બંધ થઈ ગયો હતો. મગજમાં ઑક્સિજન ઘટી જવાથી ચોક્કસ ભાગની સંવેદના જતી રહી હતી અને એને કારણે તેમને લકવો થયો હતો. સારવારથી મગજનો ડૅમેજ થયેલો ભાગ સુધરીને ફરીથી તેઓ ચાલતા થઈ શકશે કે કેમ એ હજી પરીક્ષણનો વિષય છે.