24 December, 2025 02:47 PM IST | England | Gujarati Mid-day Correspondent
ખોદ્યું કિચન, નીકળ્યો ખજાનો
ઇંગ્લૅન્ડના એક કપલની કિસ્મતનો દરવાજો કિચનમાંથી ખૂલ્યો હોવાના સમાચાર છે. રૉબર્ટ ફુક્સ અને તેમનાં વાઇફ બેટ્ટી ફુક્સનું ફાર્મહાઉસ આશરે ૪૦૦ વર્ષ જૂનું હતું. તેમણે ફાર્મહાઉસના કિચનને રિનોવેટ કરવાનું શરૂ કર્યું ત્યારે ઇચ્છા તો એટલી જ હતી કે ફ્લોર નીચો અને છત ઊંચી કરીને થોડી જગ્યા વધારવામાં આવે, પણ થયું એવું કે જેમ-જેમ નીચેનો કૉન્ક્રીટ ફ્લોર ખોદતા ગયા એમ વિચિત્ર સપાટી ઊપસતી ગઈ. એમાંથી અંતે નીકળ્યું એક માટીનું વાસણ. આ વાસણમાં ચમકતા-દમકતા સોના-ચાંદીના જૂના સિક્કા હતા. રાતોરાત ફુક્સ દંપતીની કિસ્મત ચમકી ગઈ. વાસણમાં મળેલા સોના-ચાંદીના ૧૦૦થી વધુ સિક્કા અને એય ઐતિહાસિક હતા. આ સિક્કા ૧૬૪૨થી ૧૬૪૪ વચ્ચેના હતા. એ સમયે ઇગ્લૅન્ડમાં સિવિલ વૉર ચાલી રહી હતી એટલે ઘણા લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવતી હતી. એનાથી બચવા માટે આ સિક્કા જમીનમાં છુપાવવામાં આવ્યા હશે એવો દાવો ઇતિહાસકારોએ વ્યક્ત કર્યો છે. આ સિક્કાને ઑક્શનમાં વેચવામાં આવ્યા ત્યારે ફુક્સ કપલને ૬૫ લાખ રૂપિયાની રોકડી થઈ ગઈ હતી.