02 June, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૂલર
આજકાલ કાળઝાળ ગરમીમાં AC કે કૂલર વિના બફારાથી જીવ જતો રહેશે એવું ઘણાને ફીલ થતું હશે. જોકે આવાં સાધનો વસાવવાનું બધાની પહોંચમાં ન હોય. જોકે ભારતીય જુગાડુઓ પાસે એનો પણ વિકલ્પ છે. સોશ્યલ મીડિયા પર એક ભેજાબાજે તેની પાસે જેકંઈ પણ નકામી પડેલી ચીજો છે એનાથી જ કૂલર જેવી ઇફેક્ટ ઊભી કરતું કૂલર તૈયાર કરી દીધું છે. કૂલરના બહારના ઢાંચા તરીકે અહીં મ્યુનિસિપાલિટી દ્વારા અપાતું લીલા રંગનું ડસ્ટબિન વપરાયું છે. એની પાછળના ભાગોમાં કંતાનની જાળી લગાવીને વેન્ટિલેશન બનાવ્યું છે અને અંદર ટેબલ-ફૅન લગાવ્યો છે અને આગળનો ભાગ ઓપન છે. એની અંદર કૂલરમાં લગાવાય એવી જાળી અને ઘાસ છે અને પાણી પણ એમાં સતત વહેતું રહે એવી વ્યવસ્થા કરી છે. બસ, હવે સાદો ટેબલ-ફૅન પાણી સાથે અથડાઈને ઠંડા-ઠંડા કૂલ-કૂલ પવનનો મારો કરે છે. @RealTofanOjha નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલા આ વિડિયોમાં કૅપ્શન આપી છે – હવે ડસ્ટબિનમાંથી કચરો નહીં, ઠંડી હવા મળશે.