પ્રિય ડૉગી અને હૉર્સને છેલ્લી વખત મળી વૃદ્ધ મહિલા

12 October, 2021 12:09 PM IST  |  Chester | Gujarati Mid-day Correspondent

૬૮ વર્ષનાં જૅન હોલમૅન નામનાં ગંભીર બીમારી ધરાવતાં બહેને પોતાનો વહાલો ઘોડો બૉબ અને બે શ્વાન, મોન્ટી અને રોવ્લીને ગુડબાય કહેવાની અંતિમ ઇચ્છા પ્રગટ કરી હતી

જૅન હોલમૅન

અલવિદા કે ગુડબાય કહેવું હંમેશાં મુશ્કેલ હોય છે, ખાસ કરીને જ્યારે તમને ખબર હોય કે આ અંતિમ અલવિદા છે ત્યારે. આવી અંતિમ અલવિદા, ફાઇનલ ગુડબાયની એક હૃદયદ્રાવક ક્ષણ તાજેતરમાં કૅમેરામાં કેદ થઈ છે.

૬૮ વર્ષનાં જૅન હોલમૅન નામનાં ગંભીર બીમારી ધરાવતાં બહેને પોતાનો વહાલો ઘોડો બૉબ અને બે શ્વાન, મોન્ટી અને રોવ્લીને ગુડબાય કહેવાની અંતિમ ઇચ્છા પ્રગટ કરી હતી. થોડાં સપ્તાહ પહેલાં જ જૅન ઇંગ્લૅન્ડના ચેસ્ટરમાં વૃદ્ધોની સંભાળ રાખતી ખાસ પ્રકારની હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં. એ પહેલાં છેલ્લી વાર તેઓ પોતાનો વહાલો ઘોડો અને બે શ્વાનને મળ્યાં હતાં. ઘર છોડ્યાના અંતિમ દિવસો સુધી તેઓ રોજ ઘોડા પર સવારી કરતાં હતાં.

હૉસ્પિટલના કર્મચારીઓએ ઘોડા અને બન્ને શ્વાનનો તેમનાં માલિક સાથે અંતિમ મેળાપ આયોજિત કર્યો ત્યારની તસવીરો વાઇરલ થઈ છે. એક ફોટોમાં ઘોડો બૉબ જૅનની ગરદનને હળવેકથી સ્પર્શી રહ્યો છે, તો બીજા ફોટોમાં બન્ને શ્વાન તેમની સાથે છે.

૬ સપ્તાહ પહેલાં જૅનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારથી તેઓ પોતાના ત્રણેય પેટ્સને ખૂબ યાદ કરી રહ્યાં હતાં. પોતાના ઘરે જૅન પેટ્સને અંતિમ વિદાય આપી શક્યાં નહોતાં એટલે હૉસ્પિટલના સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ગોઠવીને તેમનો પેટ્સ સાથે મેળાપ કરાવી આપવામાં આવ્યો.

offbeat news international news england