05 December, 2025 01:04 PM IST | London | Gujarati Mid-day Correspondent
ઈંડું ખોલતાં અંદરથી ગોલ્ડ અને પ્લૅટિનમથી રોઝની ડિઝાઇન નીકળે છે.
સામાન્ય રીતે મરઘીનું ઈંડું ૮-૧૦ રૂપિયામાં વેચાય, પરંતુ રશિયાની એક જ્વેલરી કંપની ઈંડાથી સહેજ મોટી સાઇઝનાં ઈંડાકાર ગિફ્ટ પીસ તૈયાર કરે છે. આ ઈંડાં ખાસ વ્યક્તિઓને ગિફ્ટ આપવા માટે તૈયાર થયાં હતાં અને એ પછી એ રીસેલ થતાં રહ્યાં છે. લંડનમાં બીજી ડિસેમ્બરે આવું જ એક ઈંડું ફરીથી વેચાવા નીકળ્યું હતું. આઠ ઇંચના ઈંડાકાર આર્ટવર્કમાં ઉપર પ્લૅટિનમનું પ્લેટિંગ અને ડાયમન્ડની સજાવટ છે. ઈંડું ખોલતાં અંદરથી ગોલ્ડ અને પ્લૅટિનમથી રોઝની ડિઝાઇન નીકળે છે. લંડનમાં યોજાયેલી હરાજીમાં આ ઈંડું ૨.૨૯ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૨૭૩ કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ ઈંડું રશિયાના અંતિમ શાસક સમ્રાટ નિકોલસ દ્વિતીયએ ૧૯૧૩માં પોતાની મા મારિયાને ગિફ્ટમાં આપવા માટે બનાવડાવ્યું હતું. ૨૦૦૭માં આ ઈંડું પહેલી વાર વેચાવા નીકળેલું અને એ વખતે ૧૦૬ કરોડ રૂપિયામાં વેચાયેલું. કહેવાય છે કે રશિયાના શાહી રોમાનોવ પરિવાર માટે આવાં ૫૦ ઈંડાં બનાવવામાં આવ્યાં હતાં. એમાંથી ૭ ઈંડાં રાજઘરાનાની બહાર વેચાવા નીકળ્યાં છે.