બ્રિગેડિયર બની બેઠેલા ૨૧ વર્ષના યુવાનને પકડવા આર્મીના અધિકારીઓએ સ્ટિંગ ઑપરેશન કરવું પડ્યું

14 June, 2026 11:56 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આર્યન શાહજહાંપુર અને નજીકના જિલ્લાઓમાં બ્રિગેડિયરના યુનિફૉર્મમાં ફરતો હતો. તેને પકડી પાડવા માટે સેનાના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું

આર્યન વર્મા ૨૧ વર્ષનો છે અને દિલ્હીમાં રહેતો હતો. આર્યનના પિતા હૉર્ટિકલ્ચર વિભાગમાં અધિકારી છે અને તેની માતા સ્કૂલમાં ટીચર છે.

થોડા સમય પહેલાં બિહારના ઔરંગાદમાં નકલી IPS ઑફિસર પકડાયો હતો. એવી જ રીતે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ૨૧ વર્ષનો આર્યન નામનો યુવાન નકલી બ્રિગેડિયર બની બેઠો હતો. તેની અસલિયત બહાર લાવવા માટે ભારતીય સેનાના કર્મચારીઓએ એક સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. આર્યન શાહજહાંપુર અને નજીકના જિલ્લાઓમાં બ્રિગેડિયરના યુનિફૉર્મમાં ફરતો હતો. તેને પકડી પાડવા માટે સેનાના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું. લશ્કરી અધિકારીઓએ સાદા વેશમાં આર્મીની ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાન ઉમેદવારો સાથે વાત કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આર્યન વર્માને આમંત્રણ આપ્યું હતું. શાહજહાંપુર કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા શહીદ મ્યુઝિયમમાં એક નકલી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આર્યન વર્મા શુક્રવારે સવારે તેના બ્રિગેડિયરના યુનિફૉર્મમાં એક સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV)માં કાર્યક્રમ-સ્થળે પહોંચ્યો હતો, ત્યાર બાદ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. તેના યુનિફૉર્મ પર મિલિટરી સ્ટાર્સ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા ફ્લૅગ હતા. તેની પાસે એક નકલી સરકારી ઓળખ કાર્ડ અને બે બાઉન્સર્સ પણ હતાં. 

આર્યન વર્મા ૨૧ વર્ષનો છે અને દિલ્હીમાં રહેતો હતો. આર્યનના પિતા હૉર્ટિકલ્ચર વિભાગમાં અધિકારી છે અને તેની માતા સ્કૂલમાં ટીચર છે. આર્યન નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET), મેડિકલ સ્ટડીઝ માટેની પ્રવેશપરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો અને કથિત રીતે ઘણી વખત પરીક્ષામાં નાપાસ થયો હતો. તે લશ્કરી અધિકારી તરીકે શા માટે ફરતો હતો અને એનો હેતુ જાણી શકાયો નથી. તેણે નકલી આઇડેન્ટિટી કાર્ડ અને યુનિફૉર્મ કેવી રીતે મેળવ્યાં અને આ કૃત્યમાં વધુ લોકો સંડોવાયેલા છે કે નહીં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

offbeat news uttar pradesh Crime News indian army