17 August, 2026 09:06 PM IST | Palnadu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાઓપેટ નામના નાનકડા કસબામાં ચોરીની એક ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. બાલાજી આર્કેડ અપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લૅટનું તાળું તોડીને ચોરો ૨૦ લાખ રૂપિયા રોકડા અને ૩૧૭ ગ્રામ સોનાના દાગીના ચોરી ગયા હતા. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી હતી. જોકે ચોરોના કોઈ સગડ મળી નહોતા રહ્યા. સોસાયટી અને ફ્લૅટની બહારના CCTV કૅમેરાના ફુટેજમાં પણ એ ઘટના કેદ ન થઈ હોવાથી પોલીસને શંકા હતી કે કોઈ પરિચિત વ્યક્તિએ જ આ ચોરી કરી હશે કાં કરાવી હશે, કારણ કે દરરોજ સવારે ૩૦ મિનિટ માટે અપાર્ટમેન્ટમાં વીજળી બંધ રહેતી હતી. આ સમયગાળાનો ફાયદો ઉઠાવીને કોઈ પરિચિત કે પરિવારજને જ આ ચોરી કરી હોય એવા નિર્ણય પર પોલીસ આવી હતી. તપાસ આગળ વધી રહી હતી એ દરમ્યાન જ થોડા દિવસ પહેલાં પીડિત પરિવારના ઘરની બહાર ૧૯ લાખ રૂપિયા રોકડા મૂકીને ચોરો એક ચિઠ્ઠી પણ સાથે મૂકી ગયા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘હું મારા હિસ્સામાં આવેલા પૈસા પાછા આપી રહ્યો છું, પણ સોનાનાં ઘરેણાં બાબતે મને ખબર નથી. બસ, મારી વિનંતી એટલી જ છે કે ચોરને પકડવા માટે કોઈ કાળોજાદુ અને તંત્રમંત્ર ન કરાવશો.’