માત્ર પાંચ વર્ષની વયે બાળકી બની યોગગુરુ ગિનેસ બુકમાં નોંધાયું નામ

23 September, 2026 04:28 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની ફીનિક્સ જિસેલ હિક્સ માત્ર ૫ વર્ષ ૩૩૭ દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની મહિલા યોગ-ટ્રેઇનર બની છે. તેણે ૨૦૦ કલાકની તાલીમ પૂર્ણ કરી અને હવે હ્યુસ્ટનમાં બાળકો તથા વડીલોને યોગ શીખવે છે.

પાંચ વર્ષની બાળકી બની યોગગુરુ

મોટા ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમરે રમકડાંથી રમતાં હોય છે કે સ્કૂલમાં જતી વખતે રડતાં હોય છે, પરંતુ અમેરિકાની એક બાળકીએ આ કુમળી વયે એવી કમાલ કરી બતાવી છે કે સમગ્ર વિશ્વ તેની પ્રતિભા જોઈને દંગ રહી ગયું છે. અમેરિકાની ફીનિક્સ ‌જિસેલ હિક્સ નામની બાળકી માત્ર પાંચ વર્ષ ૩૩૭ દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની મહિલા યોગ-ટ્રેઇનર બની ગઈ છે.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે એના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર આ નાની યોગગુરુનો વિડિયો શૅર કર્યો છે, જેમાં તે વડીલો અને બાળકોને નૉન-સ્ટૉપ યોગાસન શીખવતી જોવા મળે છે. તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ૨૦૨૭ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યું છે.
ફીનિક્સની યોગ પ્રત્યેની રુચિ જન્મના થોડા જ મહિનાઓમાં શરૂ થઈ ગઈ હતી. તે માંડ ૩ મહિનાની હતી ત્યારે તેણે તેની માતા સિડની હિક્સ સાથે ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે યોગ તેના જીવનનો મુખ્ય ભાગ બની ગયા. યોગટીચર બનવા માટે ફીનિક્સે ૨૦૦ કલાકનો પ્રોફેશનલ ટ્રેઇનિંગ કોર્સ પૂરો કર્યો છે. તેણે મોટા લોકોને પણ અઘરાં લાગે એવાં શરીર રચનાશાસ્ત્રનાં પુસ્તકો વાંચ્યાં, પરીક્ષાઓ આપી અને ટીચિંગ પ્રૅક્ટિસના કલાકો સફળતાપૂર્વક પૂરા કર્યા. આ સમગ્ર બૅચમાં તે એકમાત્ર નાની બાળકી હતી.
હાલ ફીનિક્સ તેની માતા સાથે અમેરિકાના હ્યુસ્ટન (ટેક્સસ) શહેરમાં બાળકો અને વડીલોને યોગ શીખવે છે. તેનું સૌથી મનપસંદ આસન વૃક્ષાસન છે, કારણ કે એમાં સંતુલન જાળવવું પડકારજનક અને મનોરંજક લાગે છે. તે બાળકોને શીખવે છે કે જ્યારે પણ ગુસ્સો કે ચિંતા થાય ત્યારે ઊંડા શ્વાસ લેવા જોઈએ, જેથી મન શાંત રહે અને એનર્જી જળવાઈ રહે.
યોગ ઉપરાંત આ બાળકી બે વર્ષની ઉંમરથી બૅલે ડાન્સ અને ૩ વર્ષની ઉંમરથી પિયાનો વગાડી રહી છે. તેને રોબોટિક્સ અને સાયન્સમાં પણ ભારે રસ છે. ભવિષ્યમાં અવકાશયાત્રી બનવાની ઇચ્છા ધરાવતી ફીનિક્સનું સપનું છે કે તે મોટી થઈને અવકાશમાં જઈને યોગ કરનારી દુનિયાની સૌપ્રથમ વ્યક્તિ બને. આ ટૅલન્ટેડ બાળકીનો અંદાજ હાલ સોશ્યલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી રહ્યો છે.

united states of america guinness book of world records yoga world news offbeat news hatke news