અજબ ગજબ : હેલ્મેટ પર ટાલનું પેઇન્ટિંગ

14 June, 2026 11:27 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

ટાલવાળા માથા પર કાન પણ ચીતરાવ્યા છે. એને કારણે માથે હેલ્મેટ પહેરેલી હોવા છતાં દૂરથી એવું જ લાગે કે માથે કંઈ નથી પહેર્યું.

હેલ્મેટ

અમેરિકાના ફ્લૉરિડામાં ઍલન વૅગ્નર નામના બાઇકરને વારંવાર ટ્રાફિક-પોલીસ રોકી લે છે અને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ કરવાની વાત કરે છે. જોકે જેવા આ ભાઈ રોકાય છે અને પોલીસ તેમને નજીકથી જુએ છે ત્યાં જ તેમને સમજાઈ જાય છે કે ભાંગરો વટાયો છે. વાત એમ છે કે આ ભાઈએ તેમની હેલ્મેટ પર પેઇન્ટિંગ કરાવ્યું છે. એ પેઇન્ટિંગ હૂબહૂ કોઈકની ટાલ જેવું લાગે છે. ટાલવાળા માથા પર કાન પણ ચીતરાવ્યા છે. એને કારણે માથે હેલ્મેટ પહેરેલી હોવા છતાં દૂરથી એવું જ લાગે કે માથે કંઈ નથી પહેર્યું.

વીક-એન્ડમાં પણ કામ કરવા બદલ નૉર્વેમાં ભારતીય પ્રોફેશનલે બૉસની વઢ ખાવી પડી

વિનોદ નામના એક પ્રોફેશનલે નૉર્વેના વર્કકલ્ચર વિશેની વાત શૅર કરી છે. ૧૫ વર્ષ પહેલાં જ્યારે વિનોદ નૉર્વે કામ કરવા ગયો ત્યારે તે ખૂબ કામ કરતો હતો. તે લંચ કરવાનું છોડી દેતો અને રાતે પણ મોડે સુધી કામ કરતો. ક્યારેક તો વીક-એન્ડમાં પણ કામ કરતો. એક વાર શનિવારે ઈ-મેઇલનો જવાબ આપવા બદલ તેના મૅનેજરે તેને ઝાટકી નાખ્યો હતો. મૅનેજરે કહ્યું કે રજા લેવી જરૂરી છે, સારા કર્મચારી બનવાનો મતલબ એ નથી કે લોકો પોતાની અંગત જિંદગી જીવવાનું છોડી દે. વિનોદનું કહેવું છે કે ભારતમાં આવા કર્મચારીને ડેડિકેટેડ કર્મચારી કહેવામાં આવે છે, પરંતુ નૉર્વેમાં આવું કરવું એ અનહેલ્ધી વર્કકલ્ચર કહેવાય છે. 

માણસ જેવા રોબો ભીખ માગવાનું કામ પણ કરી શકે છે

રોબો માણસની કઈ-કઈ જૉબને રિપ્લેસ કરી નાખશે એની ચર્ચા ચોમેર થઈ રહી છે ત્યારે આંખો ખોલી નાખે એવો એક વિડિયો વાઇરલ થયો છે. અહીં હ્યુમનૉઇડ રોબો રોડ પર બેસીને ભીખ માગવાનું કામ કરે છે. હાથ ફેલાવીને જાણે ‘અલ્લાહ કે નામ પે કુછ દે દે’ બોલતો હોય એમ વિનંતી કરીને એ લોકો પાસેથી મદદ માગે છે. પાસે QR કોડ પણ લઈને બેસે છે. ડિશમાં જે લોકો કૅશ મૂકીને જાય છે એ કૅશ થોડી વારે તે પાસેના પાકીટમાં પણ ભરી દે છે. જો કોઈ QR કોડથી ભિક્ષા આપે તો રિસીવ્ડનો મેસેજ પણ આ રોબોમાંથી ઑટોમૅટિકલી બોલાય છે. 

offbeat news florida united states of america international news world news