07 April, 2025 12:18 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રેબ
થોડા સમય પહેલાં કુનો અભયારણ્ય પાસેના એક ગામમાંથી ચિત્તા બકરીઓનાં છ બચ્ચાં ઉપાડી ગયેલા. એ જ ગામની નજીક ગયા અઠવાડિયે ફરીથી જ્વાલા નામની માદા ચિત્તા એનાં ચાર બચ્ચાં સાથે ફરતી જોવા મળી હતી. જોકે આ વખતે તડકામાં ફરી રહેલી જ્વાલાને કુનો અભયારણ્યના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક ડ્રાઇવરે પાણી પીવડાવ્યું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. ચિત્તાનું ઝુંડ એક ઝાડના છાંયા નીચે ફરી રહ્યું છે. એની નજીક જઈને આ ડ્રાઇવર પીળા ડ્રમમાંથી પાણી સ્ટીલના વાસણમાં કાઢી આપે છે અને તેમને પાણી પીવા બોલાવે છે, ‘આવ... આવ...!’ નવાઈની વાત એ છે કે ચિત્તા પણ જાણે જરાય ડરતા ન હોય એમ નજીક આવીને એમાંથી પાણી પીવા લાગે છે. આ ડ્રાઇવરનું નામ છે સત્યનારાયણ ગુર્જર. પહેલી નજરે તો આ માણસો અને ચિત્તાઓનું સહઅસ્તિત્વ બહુ રૂડું લાગે, પરંતુ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વિચારવું કંઈક અલગ જ છે. જંગલી પ્રાણીઓને પાણી કે દૂધ પિવડાવવું એ તેમના સંવર્ધનની પ્રક્રિયામાં બાધારૂપ છે એમ કહીને કુનો ફૉરેસ્ટ ડિવિઝન ઑફિસરે જે જગ્યાએ આ ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાત લઈને ડ્રાઇવર સત્યનારાયણ ગુર્જરને નોકરીમાંથી બરતરફ કર્યો હતો. જંગલ ખાતાના અધિકારીઓનું કહેવું છે કે કુદરતી ઇકોસિસ્ટમ માટે થઈને જંગલી પ્રાણીઓ અને માણસો વચ્ચે આટલી નજદીકી બને એ સારું નથી.