28 November, 2025 12:47 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ફ્રીડા કાહલોનું આ પેઇન્ટિંગ તાજેતરમાં તોતિંગ કિંમતે વેચાયું હતું
મહાન કલાકારોમાં જેની ગણના થાય છે એવાં મેક્સિકોનાં ફ્રીડા કાહલોનું એક પેઇન્ટિંગ તાજેતરમાં તોતિંગ કિંમતે વેચાયું હતું. અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા ઑક્શનમાં ફ્રીડાએ આઠ દાયકા પહેલાં દોરેલું ચિત્ર ૫૪.૬૬ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૪૮૫ કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ અત્યાર સુધીમાં કોઈ મહિલા ચિત્રકારે રળેલા પૈસામાં સૌથી મોટી કિંમત હતી. ફ્રીડાબહેન ૭૧ વર્ષ પહેલાં મૃત્યુ પામી ચૂક્યાં છે. તેમણે એક ઝૂલતા પલંગ પર પોતે સૂતેલાં હોય એવું ચિત્ર દોરેલું. આ ઝૂલતો પલંગ પેલા હૉસ્ટેલના ડબલ ડેકર પલંગ જેવો હોય છે. ફ્રીડા રજાઈ ઓઢીને સૂતાં છે, જ્યારે તેમની ઉપરના માળે એક કંકાલ એવી જ મુદ્રામાં સૂતેલું હોય એવું બતાવાયું છે. ફ્રીડા કાહલો જસ્ટ ૪૭ વર્ષની ઉંમરે ગુજરી ગયેલાં, પરંતુ એ પહેલાં તેમણે બનાવેલાં કેટલાંક ચિત્રો ખૂબ જ એક્સક્લુઝિવ કિંમતે વેચાયાં છે. આ ચિત્ર ૧૯૪૦માં બનાવેલું. આ પહેલાં મહિલાઓ દ્વારા બનાવાયેલું સૌથી મોંઘું પેઇન્ટિંગ ૪૪.૪ મિલ્યન ડૉલરમાં વેચાયું હતું.