25 February, 2026 12:28 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
સમૃદ્ધ ગણાતા દેશોનાં બાળકોની આસપાસ રમકડાંના ઢગલા છે
ઇટલીના ગૅબ્રિયલ ગૅલિમ્બર્ટી નામના એક ફોટોગ્રાફરે એક અનોખો ફોટોગ્રાફી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેણે કેટલાક ફોટોગ્રાફ્સનો સંગ્રહ તૈયાર કર્યો છે જે વૈશ્વિક સ્તરે બાળકોનો ઉછેર કઈ રીતે થાય છે અને તેઓ કેવા માહોલમાં ઊછરી રહ્યાં છે એ વિશે ઘણુંબધું કહી જાય છે. ગૅબ્રિયલે લગભગ ૧૮ મહિના કામ કરીને પાંચ મહાદ્વીપોમાં ફરીને દરેક દેશનાં અંતરિયાળ ગામો અને ઘરોમાં ફરીને કેટલીક તસવીરો ખેંચી છે. એનો ખાસ ઝુકાવ રહ્યો છે બાળકોનાં રમકડાં સાથેનો. પાંચ વર્ષથી નાની ઉંમરના બાળક પાસે જેવાં પણ અને જેટલાં પણ રમકડાં છે એને ગોઠવીને એની તસવીરો લીધી છે. સમૃદ્ધ ગણાતા દેશોનાં બાળકોની આસપાસ રમકડાંના ઢગલા છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં બાળકો કેવી રોજિંદી ચીજો સાથે રમીને મોજ કરે છે એ પણ એમાં દેખાય છે. કેવાં રમકડાં છે એ પણ જે-તે દેશનું કલ્ચર બતાવે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારનાં બાળકોનાં રમકડાંમાં પણ પિસ્તોલ અને બૉમ્બ છે, જ્યારે અછતગ્રસ્ત રણપ્રદેશોનાં બાળકો પાસે રમકડાના નામે કશું હોતું જ નથી એ પણ ઊડીને આંખે વળગે એવું છે.