✕

જેન-ઝીમાં નોકરીથી પરેશાન થઈને નકલી રાજીનામા-પાર્ટી કરવાનો ટ્રેન્ડ

29 September, 2026 11:40 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં નોકરી અને બૉસથી કંટાળેલા જેન-ઝીમાં ‘ફેક રેઝિગ્નેશન પાર્ટી’નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવાનો વીક-એન્ડમાં ‘I Quit’ કહી પાર્ટી કરે છે, કામની ભડાસ કાઢે છે અને બીજા દિવસે ફરી એ જ ઑફિસમાં કામે જાય છે.

દિલ્હી ફેક રેઝિગ્નેશન પાર્ટી

દિલ્હીમાં પોતાની નોકરી અને બૉસથી કંટાળેલા જેન-ઝીમાં એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જુવાનિયાઓ વીક-એન્ડ દરમ્યાન સોશ્યલ મીડિયા પર ‘બસ બહુત હુઆ, I Quit’ લખીને દોસ્તો સાથે પાર્ટી ઑર્ગેનાઇઝ કરે છે. આ પાર્ટીમાં જાણે જૉબ છોડી દીધી હોય એમ કંપની, બૉસ અને કામ વિશેની તમામ ભડાસની વાતો કરે છે અને ખાઈ-પીને જલસા કરે છે. જોકે બીજા દિવસે ફરીથી એ જ ઑફિસમાં જઈને કામ કરવા લાગે છે. હવે આને ‘ફેક રેઝિગ્નેશન પાર્ટી’નું નામ આપવામાં આવી રહ્યું છે. આ પાર્ટીઓમાં જેન-ઝી ક્રીએટિવ રીતે પોતાનું રાજીનામું લખે છે. એમાં પન્ચિંગ બૅગ રાખવામાં આવે છે અને ક્યાંક ‘કૉર્પોરેટ જેલ’ જેવો સેટ-અપ કરવામાં આવે છે. લોકો કામના સ્થળે જે કોઈ પણ પ્રૉબ્લેમ હોય એની મનછૂટી વાતો કરે છે. આ પાર્ટીઓમાં જરૂરી નથી કે જે લોકો મળે એ બધા દોસ્તો જ હોય. અહીં સમદુખિયા જેન-ઝી ભેગા થાય છે અને પોતપોતાની ભડાસ કાઢે છે. સાઇકોલૉજિસ્ટો એને ટ્રૉમા બૉન્ડિંગ કહે છે. થોડા દિવસ પહેલાં જ આવી એક પાર્ટીના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા જેમાં જુવાનિયાઓ નોકરી છોડ્યા વિના ‘હું નોકરી છોડું છું’ એમ બોલીને થોડીક વાર માટે રાહતનો શ્વાસ લે છે. કેટલાક જુવાનિયાઓ મેન્ટલ હેલ્થ માટે થઈને નોકરી છોડી દીધા પછી કેટલું સારું લાગે છે એનો અનુભવ પણ શૅર કરે છે. 

delhi news delhi belly viral post social media offbeat news hatke news