ચાદર પર શ્રીનગરનાં ભૂગોળ, સંસ્કૃતિ અને પર્યટન

06 August, 2021 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીનગરના મકબૂલ જાને તો કમાલ જ કરી. તેણે એક મોટી ચાદર પર કાશ્મીરનો પ્રાચીન શ્રીનગર શહેરનો નકશો, એની ભૂગોળ તથા સંસ્કૃતિને તેમ જ પર્યટનને કંડારીને બધાને ચકિત કરી દીધા છે.

ચાદર પર શ્રીનગરનાં ભૂગોળ, સંસ્કૃતિ અને પર્યટન

કોઈ કલાકાર કાગળ, કૅન્વસ કે માટી પર કે પૂઠા પર કોઈ સંસ્કૃતિની ઝલક આપે ત્યારે તેનાં ખૂબ વખાણ થાય છે. હા, થવાં જ જોઈઆ, પરંતુ શ્રીનગરના મકબૂલ જાને તો કમાલ જ કરી. તેણે એક મોટી ચાદર પર કાશ્મીરનો પ્રાચીન શ્રીનગર શહેરનો નકશો, એની ભૂગોળ તથા સંસ્કૃતિને તેમ જ પર્યટનને કંડારીને બધાને ચકિત કરી દીધા છે.
આ ચાદર પર નજર કરતાં શ્રીનગરની સભ્યતા, કલા તેમ જ પર્યટન સ્થળોની પણ ઝાંખી થાય છે. એટલું જ નહીં, દલ સરોવરમાં તરતા શિકારાને પણ તેણે પોતાની આ કૃતિમાં આવરી લીધા છે. જે લોકોએ ધરતી પરના સ્વર્ગ તરીકે ઓળખાતા શ્રીનગરની મુલાકાત હજી સુધી નથી લીધી તેઓ આ સાત મીટર લાંબી અને પાંચ મીટર પહોળી ચાદર પર બનાવાયેલી તસવીરો મારફત કાશ્મીરનું હાર્ટ કહેવાતા શ્રીનગરની ઝલક જોઈ શકે છે. ખાસ કરીને શ્રીનગરની જામિયા મસ્જિદ, શંકરાચાર્ય મંદિર, ઝેલમ નદી વગેરે જાણીતાં સ્થળો પણ આ ચાદર પર ચીતરવામાં આવ્યાં છે.
૪૯ વર્ષના મકબૂલ જાને આ કલાકાર્ય માટે ખાસ ચાદર બનાવડાવી હતી. તેને આ આખો નકશો ચાદર પર બનાવતાં એક વર્ષ લાગ્યું હતું. પાંચમી ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને ૩૭૦મી કલમમાંથી બહાર કરી નાખવામાં આવ્યું અને વિકાસના માર્ગ પર લાવી દેવામાં આવ્યું એને બે વર્ષ પૂરાં થાય છે અને એ નિમિત્તે મકબૂલે પોતાના ચાહકો માટે આ નવી ‘સોગાદ’ તૈયાર કરી છે. તેનું સપનું છે કે તેની આ કલાકૃતિ સંસદ સુધી પહોંચી જાય.

offbeat news