08 November, 2025 09:25 PM IST | Germany | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જર્મનીમાં એક પુરુષ નર્સને તાજેતરમાં ૧૦ દરદીઓની હત્યા માટે દોષી ઠેરવીને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે ૪૪ વર્ષના પુરુષની ઓળખ સાર્વજનિક નથી કરી, પરંતુ કહેવાયું છે કે આરોપીએ ૨૦૨૩ના ડિસેમ્બર મહિનાથી ૨૦૨૪ના મે મહિનાના છ મહિના દરમ્યાન જર્મનીની એક હૉસ્પિટલમાં નાઇટ ડ્યુટી દરમ્યાન વયસ્ક અને અતિગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા દરદીઓને મારી નાખ્યા હતા. રાતના સમયે ગંભીર બીમારીથી પીડાતા દરદીઓ વારંવાર નર્સને બોલાવતા હોવાથી પરેશાન થઈને તેણે રાતના સમયે અત્યંત પાવરફુલ પેઇનકિલર મૉર્ફિન અને દરદીને શાંત કરવા માટેની દવાઓનો ઓવરડોઝ આપી દીધાં હતાં જેથી તેણે રાતે જાગવું ન પડે. દરદીઓને સુવાડવા માટે જે દવાઓ અપાતી હતી એ કેટલાક દરદીઓ માટે ઘાતક નીવડી હતી અને એને કારણે ૧૦ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. કોર્ટે નર્સને ૧૦ દરદીની હત્યા અને ૨૭ દરદીઓની હત્યાનો પ્રયાસ કરવાના ગુનાસર દોષી ગણ્યો હતો.