23 March, 2026 12:29 PM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
બન્ને વચ્ચે રજા અને પગારને લઈને ઉગ્ર ચર્ચા થઈ અને અંતે રવીન્દ્રએ મૅનેજરની છાતીમાં ગોળી ધરબી દીધી
ગાઝિયાબાદના લોનામાં પંજાબ ઍન્ડ સિંધ બૅન્કના ગાર્ડ રવીન્દ્ર હૂડાએ રજા અને પગાર માટે વિવાદ થતાં મૅનેજરને ગોળી મારીને પતાવી દીધો હતો. તાજેતરમાં બનેલા બનાવમાં બૅન્કના સુરક્ષાગાર્ડ રવીન્દ્ર હૂડાએ બ્રાન્ચ-મૅનેજર અભિષેક શર્માની કૅબિનમાં ઘૂસીને તેમને ગોળીથી વીંધી નાખ્યા હતા. એ વખતે બૅન્કમાં ૫૦-૬૦ ગ્રાહકો હતા. વાત એમ હતી કે રવીન્દ્ર એક દિવસ ડ્યુટી પર આવ્યો નહોતો. મૅનેજરે તેને ફોન કરીને ખખડાવ્યો અને તરત જ બૅન્કમાં હાજર થવા કહ્યું હતું. રવીન્દ્ર એ પછી તરત તો ન આવ્યો પરંતુ બપોરના સમય તે હાફ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને બૅન્કમાં દાખલ થઈને ત્યાં સુરક્ષા માટે રાખેલી લાઇસન્સ બંદૂકથી મૅનેજરની કૅબિનમાં જઈ પહોંચ્યો. ત્યાં બન્ને વચ્ચે રજા અને પગારને લઈને ઉગ્ર ચર્ચા થઈ અને અંતે રવીન્દ્રએ મૅનેજરની છાતીમાં ગોળી ધરબી દીધી. એ પછી તેના દોસ્ત સાથે બાઇક પર ફરાર થઈ ગયો હતો.