✕

ગોલ્ડન રિટ્રીવર ડૉગે માલિકની બે વર્ષની બાળકીને સ્વિમિંગ પૂલમાં ડૂબતી બચાવી

26 November, 2026 12:58 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

પૂલ પાસે મા-દીકરી અને ડૉગી રમી રહ્યાં હતાં એવામાં ગ્લૅડિસાને ઘરમાંથી કેક લાવવાનું યાદ આવ્યું. તે ઘરમાં ગઈ ત્યારે તેની બે વર્ષની દીકરી પૂલથી ખાસ્સી દૂર રમી રહી હતી.

ડૉગે બે વર્ષની દીકરીને ડૂબતી બચાવી

બ્રાઝિલમાં એક ગોલ્ડન રિટ્રીવર ડૉગે માલિકની બે વર્ષની દીકરીને ડૂબતી બચાવી લીધી હતી. વાત એમ છે કે ગ્લૅડિસા નામની મહિલા તેના પરિવાર સાથે રજાઓ માણવા માટે કોઈ સંબંધીને ત્યાં બીજા શહેર ગઈ હતી. સંબંધીના ઘરના આંગણામાં નાનકડો સ્વિમિંગ પૂલ પણ હતો. પૂલ પાસે મા-દીકરી અને ડૉગી રમી રહ્યાં હતાં એવામાં ગ્લૅડિસાને ઘરમાંથી કેક લાવવાનું યાદ આવ્યું. તે ઘરમાં ગઈ ત્યારે તેની બે વર્ષની દીકરી પૂલથી ખાસ્સી દૂર રમી રહી હતી. જોકે તે ચાર-પાંચ મિનિટમાં કામ પતાવીને કેક લઈને પાછી આવે ત્યાં સુધીમાં દીકરીએ સ્વિમિંગ પૂલ પર જવા માટેનાં પગથિયાં ચડી લીધાં. ઉપર ગયા પછી તે બૅલૅન્સ ન જાળવી શકી અને પૂલમાં પડી ગઈ. તે પાણીમાં ડૂબવા લાગી, પણ પાસે જ રમતા ડૉગીએ સમયસૂચકતા વાપરીને તરત જ પાણીમાં કૂદકો માર્યો અને બાળકીને પાણીની ઉપરની સપાટી પર પકડી રાખી. ગ્લૅડિસા આવી ત્યાં સુધી ડૉગીએ બાળકીને પકડી રાખી. જેવી મા આવી કે તરત જ પૂલમાં છલાંગ લગાવીને દીકરીને બચાવી લીધી હતી. જો ડૉગીએ કૂદકો ન માર્યો હોત તો બાળકી ડૂબી ગઈ હોત.

brazil animal accident international news offbeat news