14 August, 2026 03:52 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
AIથી અપહરણવાળો ફોટો મોકલીને પિતા પાસેથી માગી ૧ લાખ રૂપિયાની ખંડણી
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ટીનેજરને ઑનલાઇન ગેમમાં પૈસા લગાવવા માટે પપ્પા પાસેથી પૈસા જોઈતા હતા, પણ પિતાએ એ માટે ઘસીને ના પાડી દીધી. એમ છતાં પપ્પા પાસેથી કોઈ પણ રીતે પૈસા કઢાવવા માટે ટીનેજરે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી એવી તસવીરો જનરેટ કરી જેમાં પોતાનું અપહરણ થઈ ગયું છે એવું લાગે. એ ફોટોગ્રાફ્સ તેણે પપ્પાને મોકલીને ખંડણી પેટે ૧ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. જોકે પિતાએ પોલીસને જાણ કરી હતી અને દીકરાનું અપહરણ ક્યાંથી થયું એની કડી શોધવા માટે સ્કૂલની આસપાસના CCTV કૅમેરા ફંફોસતાં બે જ કલાકમાં દીકરો ક્યાં છુપાયો છે એ મળી ગયું હતું. એ પછી તેણે કબૂલી લીધું હતું કે અપહરણની વાત તેણે ઊપજાવી કાઢી હતી. તેને AIથી તસવીરો બનાવવામાં દિલ્હીના એક દોસ્તે મદદ કરી હતી.